MORBI:મોરબી મેડીકલ શિક્ષણમાં GMERS કોલેજોમાં થયેલ ફી વધારો પરત ખેંચવા જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખે આરોગ્ય મંત્રીને રજુઆત

MORBI:મોરબી મેડીકલ શિક્ષણમાં GMERS કોલેજોમાં થયેલ ફી વધારો પરત ખેંચવા જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખે આરોગ્ય મંત્રીને રજુઆત
મોરબી સહિત રાજ્યમાં મેડિકલ GMERS કોલેજોમાં કરેલ એકાએક આશરે ૬૭ ટકાથી ૮૭ ટકા સુધીના ધરખમ ફી વધારો ખાસ કરીને મેનેજમેન્ટ ક્વોટામાં કરેલ કમરતોડ ફી વધારો પરત ખેંચવાની ઉગ્ર માંગ સાથે મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા દ્વારા રાજ્યના આરોગ્યમંત્રીને લેખિત રજુઆત કરવામાં આવી છે.
મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા લેખિત રજુઆતમાં જણાવ્યા અનુસાર ગુજરાત રાજય સંચાલીત મેડીકલ શિક્ષણની GMERS કોલેજોમાં ચાલુ વર્ષે થયેલો ફી વધારો રૂા.૩.૩૦ લાખમાંથી રૂા.૫.૫૦ લાખ તેમજ મેનેજમેન્ટ કવોટામાં રૂા.૯.૦૭ લાખ માંથી રૂા.૧૭ લાખ મધ્યમ અને નિમ્ન વર્ગ માટે કમરતોડ ફી વધારો છે. જે તદ્દન વિદ્યાર્થીઓના વાલીઓ ઉપર વધારાના બોજ સમાન છે. નિમ્ન અને મધ્યમ વર્ગના તેજસ્વી યુવાનોના અરમાનો અને તેના પરીવારો ઉપર ફી વધારાનો આર્થિક બોજ અનેક ગણો વધી જવાના કારણે તેમજ મંદી, મોંઘવારી, ગરીબીની પરિસ્થિતિમાં તદ્દન અસહનિય છે.
આગળ જણાવતા કહ્યું કે ગુજરાત સરકાર માટે ખાસ કરીને શિક્ષણ અને તેમા પણ તબીબી વિભાગમાં આવક વધારવા માટે આ ફી વધારો સરકાર દ્વારા કરવામાં આવેલ છે. તે તદ્દન અમાનવિય પગલું છે. કારણ કે સરકાર પોતે જ પોતાના સંશાધનોથી ઉભી કરેલી કોલેજોમાં ફી વધારી બીજી બાજુ સેલ્ફ ફાયનાન્સ કોલેજોના ફી વધારાને ઉતેજીત કરી રહી છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને તેમના સંતાનોને ડોકટર બનાવવાનું તેમનું એક સ્વપ્ન હોય છે. આવા પરીવારોની આવક ખુબ જ સામાન્ય હોય છે. જે આવક મર્યાદાની નીચે હોય છે. આવા વાલીઓ રૂા.૫.૫૦ દર વર્ષે મેડીકલ શિક્ષણની ફી ભરે પછી પરીવારના ગુજરાન તેમજ વિદ્યાર્થીઓના અન્ય ખર્ચાઓનું શું ? તેમજ વાલીઓ તેના બીજા સંતાનોને કેમ કરી ઉચ્ચ અભ્યાસ કરાવી શકે ? આવો વિચાર સરકારમાં બેઠેલ કોઈ અધિકારી કે પદાધિકારીઓને કેમ આવતો નથી ?
વધુમાં દર વર્ષે સરકાર પોતે જ વધતી મોંઘવારીના દરે વાર્ષિક ૮% મોઘવારી જાહેર કરે છે એ પ્રમાણે વેતનમાં વૃધ્ધિ કરે છે. તો એકાએક એક સાથે ૬૭% થી ૮૭% વધારો કરી નાખે છે. એ કઈ રીતે તર્કસંગત છે ? મેડીકલ શિક્ષણનું રોકાણ એ ભવિષ્યની સમાજસેવા છે. જો એ જ અતિ મોંઘુ થઈ જશે તો પછી વિદ્યાર્થીઓ જયારે ફિલ્ડમાં આવશે ત્યારે મેડીકલ સારવાર સસ્તી કેમ આપી શકશે ?અંતમાં આ ફી વધારાનો બોજ તદ્દન અમાનવિય હોય, રાજયની પ્રજાના હિતમાં અને ખરેખર એક સંવેદનશીલ સરકાર હોવાનું માનતી હોય તો આ ફી વધારો પાછો ખેંચીને ભવિષ્યમાં પણ ફી વધારો નહી કરવાની ખાત્રી આપવી જોઈએ. આ બાબતે મેડીકલ કોલેજોમાં કરવામાં આવેલ ફી વધારો તાત્કાલીક અસરથી પાછો ખેંચવાની માંગણી સાથે રજુઆત કરી છે.






