વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
*ચીખલી તાલુકાના સુરખાઈ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતાના વરદ હસ્તે આ પ્રોજેક્ટ અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી કરેલા શાળાના આચાર્ય અને સીએચઓને સન્માનિત કરાયા*
*યુવિકાઓ અને યુવકો સશક્ત સમાજના પ્રણેતા બને તે આજના સમયની માંગ છે.- જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે*
નવસારી,તા.૦૧: નવસારી જિલ્લા પંચાયત અંતર્ગત આઈસીડીએસ વિભાગ, શિક્ષણ વિભાગ, અને આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે ‘સક્ષમ યુવિકા પ્રોજેક્ટ’ હેઠળ શ્રેષ્ઠ કામગીરી કરનાર શાળાના સંયુક્ત નોડલ અધિકારીશ્રીઓની તાલીમ અને સન્માન સમારોહ શ્રી જ્ઞાનકિરણ ઘોડિયા સમાજ ભવન, સુરખાઈ-ચિખલી ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા સહિત ઉચ્ચ અધિકારીશ્રીઓની ઉપસ્થિતીમાં યોજાયો હતો. જેમાં સંયુક્ત નોડલ અધિકારીશ્રીઓ તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરેલા વિવિધ શાળાના કુલ-૧૪ આચાર્યશ્રીઓ તથા કુલ- ૧૧ સીએચઓને પ્રમાણપત્ર આપી સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે સૌને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, યુવિકાઓ અને યુવકો સશક્ત સમાજના પ્રણેતા બને તે આજના સમયની માંગ છે. તેમણે ઉમેર્યું કે, સમાજ ત્યારે જ આગળ વધે જ્યારે દરેક વ્યક્તિ સ્વયંપૂર્ણ હોય કોઇ એક નહી. તેમણે યુવિકાઓ સહિત યુવકોને પણ સામાજિક, માનસિક રીતે સક્ષમ બનાવવા સૌને અનુરોધ કર્યો હતો.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતાએ પ્રેરક ઉદબોધન આપતા જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ અંતર્ગત સૌએ ખુબ સારી કામગીરી કરી છે. આજે આપણે આ પ્રોજેટકમા સારી કામગીરી કરેલા વ્યક્તિઓને સન્માનિત કરીએ છે પરંતુ કોઇ પણ સફળતા માટે સામુહિક પ્રયાસ જરૂરી હોય છે. જેથી આજની સફળતા કોઇ એક વ્યક્તિ કે એક વિભાગ પુરતી સિમિત નથી પરંતું આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા તમામ વિભાગો અને તમામ લોકોની સફળતા છે.
તેમણે ઉમેર્યું કે, સારુ આરોગ્ય અને શિક્ષણ સારા ભવિષ્યના નિર્માણ માટે જરૂરી છે. તેમણે તમામ નોડલ અધિકારીશ્રીઓને ઉદ્દેશીને જણાવ્યું હતું કે, જયારે કોઇ પણ કામમાં પોતાનું ૧૦૦ ટકા યોગદાન આપો ત્યારે સફળતા નિશ્ચિત મળે છે. તેમણે સૌને અભિનંદન પાઠવી આવનાર વર્ષોમા પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે પ્રોગ્રામ ઓફિસરશ્રી કોમલ પટેલે પ્રેઝનટેશનના માધ્યમથી ‘સક્ષમ યુવિકા પ્રોજેક્ટ’ અંતર્ગત છેલ્લા બે વર્ષમાં કરવામાં આવેલ કામગીરી વિશે વિગતવાર માહિતી આપી હતી. આ સાથે પ્રોજેક્ટને આગળ વધારતા આવનારા વર્ષો માટે કરવામાં આવેલ આયોજન અંગે સૌને અવગત કર્યા હતા. તેમણે ખાસ ઉમેર્યું હતું કે, આવનારા વર્ષોમાં અંદાજિત ૦૭ હજાર યુવિકાઓને આ પ્રોજેક્ટમાં આવરી લઇ ૮૦૮૦ જેટલા વિવિધ વિભાગોના સેશન ગોઠવી સક્ષમ બનાવવાના સક્રિય પ્રયાસો હાથ ધરવામાં આવશે.
કાર્યક્રમમાં પ્રાથમિક શિક્ષણાધિકારી ડો.અરુણકુમાર અગ્રવાલે સ્વાગત પ્રવચન થકી સૌને ‘સક્ષમ યુવિકા પ્રોજેક્ટ’ વિશે માહિતી આપી હતી.
આ પ્રસંગે આઇસીડીએસ, આરોગ્ય અને શિક્ષણ વિભાગના અધિકારી-કર્મચારીઓ, સહિત શાળાના શિક્ષકો, આચાર્યશ્રીઓ તથા પીએચસમ સીએચસીના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.