મહેસાણા જિલ્લાએ 6 લાખના લક્ષ્યાંક સામે રૂપિયા દસ લાખનું ભંડોળ એકઠું કરવામાં સફળતા મેળવી હતી.
સશસ્ત્ર સેના ધ્વજ દિનની ઉજવણીનો શુભારંભ કરાવ્યો

વાત્સલ્યમ સમાચાર, બળવંતસિંહ ઠાકોર, મહેસાણા
મહેસાણા કલેકટર કચેરી ખાતે મહેસાણા નિવાસી અધિક કલેકટરશ્રી જે.કે. જેગોડાએ સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં પોતાનો ફાળો આપીને જિલ્લામાં સશસ્ત્ર સેના ધ્વજ દિનની ઉજવણીનો શુભારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટરશ્રી જે.કે. જેગોડાએ સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં ફાળો આપવા જિલ્લાવાસીઓને અપીલ કરી હતી. આ તકે જિલ્લા મદદનીશ સૈનિક કલ્યાણ અધિકારીશ્રી પલ્કેશકુમાર એચ.ચૌધરી દ્વારા અધિક નિવાસી કલેકટર જે.કે.જેગોડાનું સન્માન કરવામાં આવ્યું હતું.
જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, મહેસાણા દ્વારા દર વર્ષે સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં સવિશેષ યોગદાન આપનાર સરકારી કચેરીઓ, શાળાઓ તથા સામાન્ય લોકોનું સન્માન કરવામાં આવતું હોય છે. આ વર્ષે પણ મહેસાણા જિલ્લાએ મળેલા 6 લાખના લક્ષ્યાંક સામે રૂપિયા દસ લાખનું ભંડોળ એકઠું કરવામાં સફળતા મેળવી હતી. સાથે સાથે મહેસાણા જિલ્લો છેલ્લા ચાર વર્ષથી સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળના લક્ષ્યાંક કરતાં પણ વધારે યોગદાન આપતો રહ્યો છે.
મહેસાણા જિલ્લાની ઘણી કચેરીઓ એવી છે, જેણે સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં એક લાખ કરતાં વધારે યોગદાન આપ્યું છે. જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી કચેરી દ્વારા રૂ. 3,33,107 એકત્રિત કરાયા તો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી દ્વારા રૂ. 1,10,911 ભંડોળ એકત્રિત કરાયું છે.આ કચેરીઓએ પોતાના હસ્તકની શાળાઓમાંથી આ રકમ એકત્રિત કરી છે, જેમાં વિદ્યાર્થીઓ ઉપરાંત શિક્ષકોનો પણ ફાળો નોંધાયેલો છે. જ્યારે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મહેસાણા વિભાગ દ્વારા રૂપિયા 2,05,800 ભંડોળ આપવામાં આવ્યું હતું.
જિલ્લા મદદનીશ સૈનિક કલ્યાણ અધિકારીશ્રી પલ્કેશકુમાર એચ.ચૌધરી, કલ્યાણ વ્યવસ્થાપક જી.જે. ઠાકોર સહીત મહિલા કલ્યાણ વ્યવસ્થાપક શ્રીમતી જ્યોત્સનાબેન પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા.





