MORBI:મોરબીમા જાહેર રસ્તા/જગ્યા પર ગંદકી, અડચણ/ત્રાસદાયક કૃત્ય કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે

MORBI:મોરબીમા જાહેર રસ્તા/જગ્યા પર ગંદકી, અડચણ/ત્રાસદાયક કૃત્ય કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે
મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા એક નોટિસ જાહેર કરીને જાહેર રસ્તા/જગ્યા પર ગંદકી, અડચણ/ત્રાસદાયક કૃત્ય કરનારાઓ સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023ની કલમ 152 તથા ધી ગુજરાત પ્રોવિન્શીયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949ની જોગવાઈ મુજબ દંડનીય કાર્યવાહી કરવા જણાવ્યું છે.
મોરબી મહાનગરપાલિકાના હદ વિસ્તારના તમામ નાગરિકોને નોટિસ આપી જણાવાયું છે કે, જાહેર જગ્યાઓ કે રસ્તાઓ પર કચરો નાખવાના કારણે, રસ્તો પર વાડાઓ કરી ઢોર-ઢાંખર બાંધી ઉકે૨ડાઓ કરવાના કારણે, જાહેરમાં શૌચક્રિયા કે યુરીનેશન કરવાના કારણે, તેમજ પીવાના પાણીના નળ ખુલ્લા રાખવાથી પાણીના બગાડની સાથે સાથે ગંકદી પણ થાય છે.
ઉપરાંત રેતી, કોંક્રિટ, મટીરીયલ્સ, કાટમાળ કે ભંગાર વાહનો વગેરે જેવી ચીજવસ્તુઓ રસ્તા/જાહેર જગ્યા પર રાખવાથી નગરજનોને અડચણો ઉભી થાય છે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા નગરજનોની જાહેર સુખાકારી માટે તેમજ જાહેર હિતમાં રસ્તા, જાહેર જગ્યા કે અન્ય જગ્યા પર ગંદકી, અડચણ કે ત્રાસદાયક કૃત્ય કરતા ઈસમોએ તાત્કાલિક અસરથી આવું કૃત્ય બંધ કરવા અથવા દુર કરવા ફરમાન કરાયું છે. જો જાહેરમાં ગંદકી ક૨ના૨ને 50 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીનો દંડ, પાણીના વ્યય બદલ 100 રૂપિયાથી લઈને 1 હજાર રૂપિયા સુધીનો દંડ, જાહેરમાં શૌચક્રિયા તેમજ થુંકવા બદલ 50 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીનો દંડ, બાંધકામનો સામાન કે કાટમાળ રસ્તા પર નાખવા બદલ 1 હજારથી લઈને 10 હજાર સુધીનો દંડ તથા રસ્તા પર હાથલારી/કેબીન રાખી દબાણ કરવા બદલ 500 થી લઈને 5 હજાર સુધીનો દંડ કરવામાં આવશે. જે શખ્સો વારંવાર આવું કૃત્ય કરશે અને ચાલુ રાખશે તો તેઓની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે તેમ મહાનગરપાલિકા દ્વારા જણાવાયું છે.








