MORBI:મોરબી સબજેલના બંદીવાનો માટે રાહતના સમાચાર: જેલ પ્રશાસન દ્વારા અત્યાધુનિક કેન્ટિન સુવિધાનો પ્રારંભ

MORBI:મોરબી સબજેલના બંદીવાનો માટે રાહતના સમાચાર: જેલ પ્રશાસન દ્વારા અત્યાધુનિક કેન્ટિન સુવિધાનો પ્રારંભ
મોરબી સબજેલના બંદીવાન ભાઈ-બહેનોની સુવિધાઓમાં વધારો કરવાના હેતુથી જેલ પ્રશાસન દ્વારા એક પ્રશંસનીય નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયની જહેમત બાદ, ઇન્ચાર્જ જેલ અધિક્ષક એચ. એ. બાબરિયાના હસ્તે જેલ પરિસરમાં કેન્ટિનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
આ કેન્ટિનના માધ્યમથી જેલના ૩૫૦ જેટલા બંદીવાનો (૩૩૭ ભાઈઓ અને ૧૩ બહેનો) હવે નહાવા-ધોવાના સાબુ, શેમ્પૂ જેવી પાયાની જરૂરિયાતો ઉપરાંત ખાણી-પીણીમાં દસ પ્રકારના બિસ્કિટ, વેફર્સ, ચવાણું, આઈસ્ક્રીમ, કુલ્ફી અને કોલ્ડ્રિંક્સ જેવી વસ્તુઓ મેળવી શકશે. આ તમામ વસ્તુઓ બહારના બજાર ભાવે જ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેથી બંદીવાનોને આર્થિક રીતે પણ સરળતા રહેશે.
કેન્ટિનમાં ખરીદી માટે કૂપન (ટોકન) પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે. બંદીવાનોના પરિવારજનોએ રૂબરૂ આવવાને બદલે જેલના સરનામે બંદીવાનના નામે ‘મની ઓર્ડર’ મોકલીને રૂપિયા જમા કરાવી શકે છે, જેના બદલામાં એડવાન્સમાં કૂપન ફાળવવામાં આવશે.
આ સુવિધા શરૂ થતાની સાથે જ બંદીવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. અત્યાર સુધીમાં અંદાજે ૪૫,૦૦૦ રૂપિયાના કૂપનનું વેચાણ થઈ ચૂક્યું છે અને લોકાર્પણના પ્રથમ ત્રણ કલાકમાં જ ૪,૦૦૦ રૂપિયાની વસ્તુઓનું વેચાણ થયું હતું. ખાસ કરીને જે બંદીવાનો બહારગામના છે, તેમના માટે આ સુવિધા આશીર્વાદરૂપ સાબિત થશે કારણ કે હવે તેમણે નાની-મોટી વસ્તુઓ મંગાવવા માટે પોતાના પરિવારને ધક્કો ખવડાવવો નહીં પડે.આ નિર્ણયને જેલના બંદીવાનોએ ઉમળકાભેર વધાવી લીધો છે અને જેલ પ્રશાસનના આ માનવીય અભિગમની સરાહના કરવામાં આવી રહી છે.











