શિક્ષકદિનની અનોખી ઉજવણી – ટાંડી મુવાડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ સંભાળ્યો શિક્ષકનો દાયિત્વ
શહેરા તાલુકા, તા. ૪ સપ્ટેમ્બર :
નિલેશભાઈ દરજી શહેરા
શહેરા તાલુકાના ટાંડી મુવાડા પ્રાથમિક શાળામાં શિક્ષકદિનની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓએ સ્વયં શિક્ષકની ભૂમિકા ભજવીને શિક્ષણકાર્યનું સફળ સંચાલન કર્યું, જે સમગ્ર કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બન્યું.
આ આયોજન શિક્ષકો જતીનભાઈ પટેલ અને વિજયભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અનુસાર ધોરણ ૮ના વિદ્યાર્થી ક્રિષ્નાકુમાર પ્રકાશભાઈ પટેલને આચાર્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, જ્યારે કાર્તિકકુમાર મુકેશભાઈ પગી સુપરવાઇઝર રહ્યા હતા. અન્ય વિદ્યાર્થીઓએ પણ જુદા જુદા વિષયોના શિક્ષક તરીકે ફરજ બજાવી હતી.
આચાર્ય ક્રિષ્નાકુમારે શિસ્તબદ્ધ રીતે સમગ્ર શાળાનું સંચાલન કર્યું જ્યારે સુપરવાઇઝર કાર્તિકકુમારે પોતાની જવાબદારી સફળતાપૂર્વક નિભાવી. વિદ્યાર્થીઓએ વર્ગખંડોમાં સંપૂર્ણ તૈયારી સાથે પાઠ્યક્રમ સંચાલિત કર્યો હતો. આધુનિક શિક્ષણ પદ્ધતિનો અનુભવ કરાવતા વિદ્યાર્થીઓએ સ્માર્ટ બોર્ડનો ઉપયોગ કરીને પાઠ ભણાવ્યા હતા.
વિદ્યાર્થીઓની ઉત્કૃષ્ટ કામગીરીથી પ્રભાવિત થઈને શિક્ષક દિલીપકુમાર કાંતિલાલ પટેલે તમામ બાળકો માટે સમોસાના નાસ્તા માટે ₹૧૦૦૦/-નું યોગદાન આપ્યું. આ યોગદાનમાં શાળાના આચાર્ય અમિતકુમાર ગોવિંદભાઈ શર્માએ ₹૫૦૧/-નો સહયોગ આપ્યો તથા સ્ટાફ દ્વારા પણ સહયોગ આપવામાં આવ્યો. પરિણામે તમામ વિદ્યાર્થીઓને નાસ્તો કરાવવામાં આવ્યો.
શાળાના આચાર્ય અમિતકુમાર શર્માએ બાળકોને અભિનંદન પાઠવતા જણાવ્યું કે આવા કાર્યક્રમો બાળકોમાં નેતૃત્વ ક્ષમતા, આત્મવિશ્વાસ અને જવાબદારીની ભાવના વિકસાવવામાં સહાયરૂપ બને છે. ટાંડી મુવાડા પ્રાથમિક શાળાનો આ ‘સ્વયં શિક્ષકદિન’ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે યાદગાર અને પ્રેરણાદાયી બન્યો હતો.