
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.
નખત્રાણા,તા-૨૫ જુલાઈ : સમગ્ર શાળા સંકુલમાં દવાનો છંટકાવ કરી મચ્છરોથી ફેલાતા રોગો અંગે પાણી પહેલા પાળ બાંધવાનો પ્રયાસ કરાયો.
સારસ્વતમ્ સંચાલિત પુંજાભાઈ આણંદજી હાઈસ્કૂલ, નિરોણા-કચ્છ મધ્યે આરોગ્ય શાખા દ્વારા ચોમાસાની ઋતુ દરમિયાન ફેલાતા રોગો જેવા કે મલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા તેમજ હાલમાં જે નાના બાળકો માટે ઘાતકી સાબિત થઈ રહ્યો છે એવા સેન્ડ ફ્લાય દ્વારા ફેલાતા ચાંદીપુરા રોગ વિષે તેના લક્ષણ સહીત નખત્રાણા તાલુકા એમ.ટી.એસ. અંજની રોય, નિરોણા પી.એચ.સી. ના એમ.પી.એચ.ડબ્લ્યુ પ્રકાશ આહિર અને વિજય આહિરે વિસ્તૃત સમજણ આપી તેને અટકાવવાના ઉપાયો પણ વિધાર્થીઓને જણાવેલ હતા. સાથે સાથે અલગ-અલગ મચ્છરોથી ફેલાતા મલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગો, આવા મચ્છરોના કરડવાનો સમય તેમજ ઉત્પતી સ્થાન, મચ્છરોના ઇંડા, પોરા, લાર્વા અને મચ્છરોનો નાશ કેમ કરી શકાય એ માટે પણ વિધાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવેલ હતુ. ત્યારબાદ સાવચેતીના પગલા રુપે પાણી પહેલા પાળ બાંધતા સમગ્ર શાળા સંકુલમાં આરોગ્ય શાખા દ્વારા IRS તથા મેલેથીયોન જેવી દવાઓનો છંટકાવ કરી શાળાને મચ્છર મુક્ત કરવાનો પ્રયાસ કરાયેલ હતો. આ સમગ્ર આરોગ્ય કાર્યક્રમ શાળાના આચાર્ય શ્રી ડૉ વી.એમ. ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલ હતો. જેમાં આરોગ્ય શાખાની ટીમનુ શાળાના શિક્ષક અલ્પેશભાઈ જાની દ્વારા શાબ્દિક સ્વાગત સહ અભિવાદન કરવામાં આવેલ હતુ અને આભારવિધિ વરિષ્ઠ શિક્ષક બાબુલાલ પરમારે કરેલ હતી.







