શાહીબાગના આચાર્ય મહાપ્રજ્ઞજી રેલવે ઓવરબ્રિજ પાસે બુલેટ ટ્રેનના પિલ્લર પર સેગમેન્ટ લગાવાની કામગીરી માટે ટ્રાફિક ડાયવર્ઝન જાહેર
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ: શહેરમાં ચાલી રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત શાહીબાગ વિસ્તારમાં આવેલા આચાર્ય મહાપ્રજ્ઞજી રેલવે ઓવરબ્રિજ પાસે બુલેટ ટ્રેન ટ્રેકના પિલ્લરો પર સેગમેન્ટ લગાવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામગીરી માટે ટ્રાફિક ડાયવર્ઝનનો અમલ કરવામાં આવશે જે અંગે સંયુક્ત પોલીસ કમિશનર (ટ્રાફિક), અમદાવાદ શહેર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
દિનેશચંદ્ર આર. અગ્રવાલ ઇન્ફ્રાકોન પ્રા. લિ. કંપની દ્વારા સાબરમતીથી વટવા સુધીના પાયલોટિંગ તેમજ સેગમેન્ટ સ્થાપનના કામકાજને કારણે આ કામગીરી કરવામાં આવી રહી છે. ખાસ કરીને આચાર્ય મહાપ્રજ્ઞજી રેલવે ઓવરબ્રિજ ઉપરના પિલ્લર પર બુલેટ ટ્રેનના ટ્રેકના ભાગરૂપે સેગમેન્ટ મૂકવાની કામગીરી તારીખ 31 જુલાઈ 2025 થી 1 સપ્ટેમ્બર 2025 સુધી દિવસ-રાત, 24 કલાક ચાલશે.
આ સમયગાળા દરમિયાન નીચે મુજબના માર્ગ પર ટ્રાફિક ડાયવર્ઝન લાગુ રહેશે:
વાહનો માટે પ્રતિબંધિત માર્ગ:
નમસ્તે સર્કલથી રાજસ્થાન હોસ્પિટલ સુધીનો આચાર્ય મહાપ્રજ્ઞજી રેલવે ઓવરબ્રિજ પર વાહનોની બંને દિશામાં અવર-જવર બંધ રહેશે.
વૈકલ્પિક માર્ગ:
ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર તથા ફોર વ્હીલર માટે:
-
શાહીબાગ ઘેવર સર્કલ અને રાજસ્થાન હોસ્પિટલ તરફથી નમસ્તે સર્કલ જવા માટે વાહનોને બ્રિજની બાજુના રસ્તેથી બ્રિજની નીચે, શનિદેવ મંદિર પાસેથી શાહીબાગ અંડરપાસ થઇ જુની પોલીસ કમિશનર કચેરી પાસેથી નમસ્તે સર્કલ તરફ દોરવામાં આવશે.
-
નમસ્તે સર્કલથી રાજસ્થાન હોસ્પિટલ અથવા ઘેવર સર્કલ જવા માટે વાહનોને જુની પોલીસ કમિશનર કચેરી પાસેથી શાહીબાગ અંડરપાસ, નાગપાલ દવાખાના અને સરદાર પટેલ સ્મારક સુધી જઈ, ત્યાંથી જમણી બાજુ યુ-ટર્ન લઇ, શનિદેવ મંદિર પાસેથી બ્રિજની બાજુના રસ્તે જઈ રાજસ્થાન હોસ્પિટલ પહોંચી શકાશે.
ભારે વાહનો માટે:
રાજસ્થાન હોસ્પિટલથી નમસ્તે સર્કલ જવા માટે, વાહનો આચાર્ય મહાપ્રજ્ઞજી રેલવે ઓવરબ્રિજની બાજુના રસ્તેથી બ્રિજની નીચેના ચાર રસ્તા પરથી ડાબી બાજુ વળીને મહાકાળી મંદિર સર્કલ સુધી જઈ, ત્યાંથી જમણી બાજુ વળી બાબુ જગજીવન રામ રેલવે ઓવરબ્રિજ, ઇદગાહ સર્કલ અને દરીયાપુર સર્કલથી દેહલી દરવાજા પસાર થઈ નમસ્તે સર્કલ પહોંચી શકશે.
આ ટ્રાફિક ડાયવર્ઝનના અનુસંધાને નગરજનોને અપીલ કરવામાં આવે છે કે તેઓ ટ્રાફિક પોલીસના સૂચનોનું પાલન કરે અને ઉલ્લેખિત વિકલ્પોનો ઉપયોગ કરી સહયોગ આપે, જેથી કામગીરીમાં વિઘ્ન ન આવે અને ટ્રાફિક વ્યવસ્થા યથાવત્ રહે.
ટ્રાફિક વિભાગ દ્વારા આગ્રહપૂર્વક જણાવ્યું ગયું છે કે સમગ્ર સમયગાળા દરમિયાન ટ્રાફિકના સુગમ પ્રવાહ માટે સશસ્ત્ર પોલીસ અને ટ્રાફિક કર્મચારી સતત મોનીટર કરશે તથા યોગ્ય માર્ગદર્શનમાં તત્પર રહેશે.