MORBI:મોરબી ગોલ્ડ લોન અપાવવાના બહાને વેપારી સાથે છેતરપિંડી, સાડા છ તોલા સોનું બારોબાર વેચી મરાયું

MORBI:મોરબી ગોલ્ડ લોન અપાવવાના બહાને વેપારી સાથે છેતરપિંડી, સાડા છ તોલા સોનું બારોબાર વેચી મરાયું
મોરબી: લાલપર ગામ પાસે આવેલા પવનસુત પ્લાઝામાં વિશ્વાસઘાત અને છેતરપિંડીનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. પરિચિત શખ્સોએ ગોલ્ડ લોન અપાવવાના બહાને એક વેપારી પાસેથી આશરે ₹7.50 લાખની કિંમતનું સાડા છ તોલા સોનું મેળવી, તેની જાણ બહાર બારોબાર વેચી મારી છેતરપિંડી આચરી છે. આ મામલે મોરબી તાલુકા પોલીસ મથકે બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
મળતી માહિતી મુજબ, મોરબીના લક્ષ્મીનગર ગામે ઓમ પાર્ક સોસાયટીમાં રહેતા અને વ્યવસાયે વેપારી કેતનભાઈ ભીમજીભાઈ વાઘેલ (ઉ.વ. 37) ને નાણાંની જરૂરિયાત હતી. જોકે, ટેકનિકલ કારણોસર તેમના નામે ગોલ્ડ લોન થઈ શકે તેમ નહોતી.આ તકનો લાભ ઉઠાવી, તેમની પાસે લાંબા સમયથી કામ કરતા અને વિશ્વાસપાત્ર ગણાતા કીર્તીકુમાર કનુભાઈ વરાણીયાએ લોન કરાવી આપવાની ખાતરી આપી હતી. કેતનભાઈએ વિશ્વાસ મૂકીને પોતાના દાગીના આરોપીને સોંપ્યા હતા.આરોપીઓને નીચે મુજબના કુલ 6.5 તોલા દાગીના સોંપવામાં આવ્યા હતા:સોનાનું મંગળસૂત્ર (27.20 ગ્રામ) સોનાની ચેન, માળા અને હાર (15.42 ગ્રામ) સોનાની કાનની બુટી – 4 નંગ (10.80 ગ્રામ) સોનાની કાનની સેર – 2 નંગ (04.45 ગ્રામ) સોનાની વીંટી – 2 નંગ (03.70 ગ્રામ)
જ્યારે ફરિયાદી કેતનભાઈને દાગીનાની પરત જરૂર પડી, ત્યારે તેમણે મુખ્ય આરોપી કીર્તીકુમારને દાગીના છોડાવી આપવા જણાવ્યું હતું. જોકે, તપાસ કરતા જાણવા મળ્યું કે આરોપી કીર્તીકુમાર અને તેના સાથીદાર પ્રમીલકુમાર ચતુર્વેદી (રહે. અમદાવાદ, મૂળ ઉત્તર પ્રદેશ) એ મળીને આ દાગીના લોનમાંથી છોડાવી લીધા હતા અને ફરિયાદીને જાણ કર્યા વગર બારોબાર વેચી દીધા હતા.કેતનભાઈ વાઘેલની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. લાલપર પાસે પવનસુત પ્લાઝામાં આવેલી ‘કેવલ પેલેટ’ નામની ઓફિસમાં આ સમગ્ર કારસો રચાયો હોવાનું ખુલ્યું છે.









