MORBI:મોરબી સિવિલ હોસ્પિટલની કથળતી વ્યવસ્થા સામે સામાજિક કાર્યકરોનો આક્રોશ: 24 કલાક દવાબારી ખોલવા ઉગ્ર માંગ

MORBI:મોરબી સિવિલ હોસ્પિટલની કથળતી વ્યવસ્થા સામે સામાજિક કાર્યકરોનો આક્રોશ: 24 કલાક દવાબારી ખોલવા ઉગ્ર માંગ
મોરબી જિલ્લો બન્યાને વર્ષો વીતી ગયા અને હવે તો મેડિકલ કોલેજ પણ કાર્યરત થઈ ગઈ છે, છતાં મોરબી સિવિલ હોસ્પિટલમાં રાત્રિના સમયે દર્દીઓની હાલત કફોડી હોવાનું સામે આવ્યું છે. મોરબીના જાણીતા સામાજિક કાર્યકરો દ્વારા આરોગ્ય તંત્રની બેદરકારી સામે સવાલો ઉઠાવી, ૨૪ કલાક દવાબારી અને પૂરતો સ્ટાફ રાખવા મોરબી જીલ્લા કલેકટર, મોરબી સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડ, સિવિલ હોસ્પિટલના ડીન તથા જીલ્લા આરોગ્ય અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઇ બાંભણીયા, ગીરીશભાઈ કોટેચા અને દેવેશભાઈ રાણેવાડીયાએ તંત્રને આડે હાથ લેતા જણાવ્યું હતું કે, “જો રાજકોટ અને અમદાવાદ જેવી સિવિલ હોસ્પિટલોમાં રાત્રિના સમયે દવાબારી ચાલુ રહી શકતી હોય, તો મોરબીમાં કેમ નહીં? દિવસ દરમિયાન ૫-૬ કર્મચારીઓ દવાબારીમાં ફરજ બજાવતા હોય છે, તેમાંથી માત્ર એક કર્મચારીને રાત્રિ ડ્યૂટીમાં મૂકવાથી હજારો દર્દીઓને બહારની મોંઘી દવાઓ લેવામાંથી મુક્તિ મળી શકે તેમ છે.”
રજૂઆતમાં જણાવ્યા અનુસાર, ઇમરજન્સી વોર્ડમાં અકસ્માત, હાર્ટ એટેક અને મારામારી જેવા ગંભીર કેસો આવતા હોય છે, તેની સામે માત્ર બે નર્સ અને એક મેડિકલ ઓફિસર હાજર હોય છે. દર્દીઓના ઘસારા સામે આ સ્ટાફ ખૂબ ઓછો પડે છે. વધુમાં, રાત્રિના સમયે અસામાજિક તત્વોના ત્રાસને કારણે હોસ્પિટલનો સ્ટાફ પણ અસુરક્ષિત અનુભવે છે, જેથી સિક્યુરિટી ગાર્ડની સંખ્યા વધારવી અનિવાર્ય છે.ઘણી વખત આંખમાં ગંભીર ઇજાના કેસોમાં તાત્કાલિક સારવાર ન મળવાને કારણે દર્દીએ આંખ ગુમાવવાનો વારો આવે છે. આથી, આંખના વિભાગને પણ ઇમરજન્સી સેવાઓ હેઠળ આવરી લેવા માંગણી કરવામાં આવી છે.“અને મોરબી સિવિલ હોસ્પિટલમાં દવાબારી ૨૪ કલાક ખુલ્લી રાખવાની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે.રાત્રિ પાળીમાં નર્સિંગ સ્ટાફ અને જરૂરી મેડિકલ સ્ટાફમાં વધારો કરવામાં આવે. હોસ્પિટલ પરિસરમાં રાત્રિના સમયે પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવે.આ બાબતે દર્દીઓ અને હોસ્પિટલ સ્ટાફના હિતને ઘ્યાનમાં રાખીને તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે..










