GUJRAT:શિક્ષણકુંજ દ્વારા રાજ્યકક્ષાની ઑનલાઈન રંગોળી સ્પર્ધા યોજાઈ

GUJRAT:શિક્ષણકુંજ દ્વારા રાજ્યકક્ષાની ઑનલાઈન રંગોળી સ્પર્ધા યોજાઈ
શિક્ષણકુંજનાં સંચાલકો શ્રી દિનેશભાઈ ચૌહાણ, શ્રી નરેન્દ્રભાઈ કાલરિયા અને શ્રી રાજેશભાઈ ડાભી દ્વારા રાજ્યકક્ષાની ઑનલાઈન “રંગોત્સવ” રંગોળી સ્પર્ધા ઑક્ટોબર/નવેમ્બર – ૨૦૨૫ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધા બે વિભાગમાં યોજવામાં આવી હતી. વિભાગ – ૧ ધોરણ 5 થી 12 નાં વિદ્યાર્થીઓ માટે અને વિભાગ – ૨ કૉલેજિયન, શિક્ષકો, અન્ય વ્યવસાય ક્ષેત્રે જોડાયેલ સજ્જનો, ગૃહિણીઓ વગેરે માટે રાખવામાં આવ્યો હતો. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે રંગોળી મોકલવાની તારીખ ૧૨/૧૦/૨૦૨૫ થી તા. ૦૨/૧૧/૨૦૨૫ રાખવામાં આવી હતી. સ્પર્ધકો પોતાની રંગોળી મોકલી શકે એ માટે ગુગલ ફોર્મ તૈયાર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ ગુગલફોર્મ લિંક જુદાં જુદાં વ્હોટ્સ એપ ગ્રૂપમાં શેર કરવામાં આવી હતી. ગુજરાતનાં જૂદાં જુદાં જિલ્લામાંથી સ્પર્ધકોએ રંગોત્સવ રંગોળી સ્પર્ધામાં ભાગ લીધો હતો અને ગુગલ ફોર્મમાં સ્વરચિત રંગોળી સબમિટ કરી હતી. તા. ૦૯/૧૧/૨૦૨૫ નાં રોજ રંગોત્સવ રંગોળી સ્પર્ધાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. વિભાગ-૧ માંથી પ્રથમ નંબર ગાંધીનગર જિલ્લાનાં પટેલ ધાની અલ્પેશકુમાર, દ્વિતીય નંબર દાહોદ જિલ્લાનાં પારીવાલ રીયા રાજુભાઈ અને તૃતીય નંબર મહેસાણા જિલ્લાનાં પ્રજાપતિ કૃષાબેન અનિલકુમારે મેળવ્યો હતો. વિભાગ – ૨ માં પ્રથમ નંબર અમરેલી જિલ્લાનાં
ઠુંમર અલ્પેશકુમાર, દ્વિતીય નંબર ભાવનગર જિલ્લાનાં બારૈયા ઋત્વિક પ્રતાપભાઈ અને તૃતીય નંબર પાટણ જિલ્લાનાં પટેલ બંસરી ભરતકુમારે મેળવ્યો હતો. વિજેતાઓનાં બૅન્ક એકાઉન્ટમાં ઈનામની રકમ ઑનલાઇન જમા કરવામાં આવી હતી અને ડિજિટલ પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત “રંગોત્સવ” રંગોળી સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને ઑનલાઈન ડિજિટલ પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. શિક્ષણકુંજ દ્વારા દર બે મહિને રાજ્યકક્ષાની ઑનલાઈન સ્પર્ધાઓ, વર્કશોપ, કવિ સંમેલનો વગેરે યોજવામાં આવે છે. શિક્ષણકુંજ દ્વારા દર બે મહિને ઈ-મેગેઝિન પ્રકાશિત કરવામાં આવે છે. આ ઉપરાંત દૈનિક પોસ્ટ આજનું પંચાંગ, સુવિચાર, ઉખાણું, અવનવું, જાણવા જેવું, મહત્ત્વની ઘટનાઓ, દિન વિશેષ નિર્માણ કરીને વિવિધ વ્હોટ્સ એપ ગ્રૂપમાં શેર કરવામાં આવે છે. શિક્ષણકુંજ દ્વારા મહત્ત્વનાં દિવસોએ ઈ-સર્ટિફિકેટ ક્વિઝનું આયોજન કરવામાં આવે છે. શિક્ષણકુંજનાં સંચાલકો શિક્ષણકુંજ યુટ્યુબ ચેનલ, બ્લૉગ, ફેસબુક ગ્રૂપ, વ્હોટ્સ એપ ગ્રૂપ, ઈન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને ઈ-મેગેઝિનનાં માધ્યમથી શિક્ષણમાં ઉપયોગી માહિતી, લેખો વિદ્યાર્થીઓ અને શિક્ષકો સુધી પહોંચાડે છે.







