
ગરુડેશ્વર તાલુકાના વાસલા ગામે બાઈક પર આવેલા હત્યારાએ ફિલ્મી ઢબે યુવાનની હત્યા કરી
રાજપીપલા : જુનેદ ખત્રી
ગરૂડેશ્વર તાલુકાના વાંસલા ગામના મુખ્યમાર્ગ પર દિવસે યુવાનની કરપીણ હત્યા કરી નાખવામાં આવી હતી. મૃતકને અટકાવી બાઇક સવાર બે યુવાનોએ ધારિયાના ઘા મારી કેરોસીન છાટી સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો પણ લોકો દોડી આવતાં હત્યારાઓ ફરાર થઇ ગયાં હતાં. ૩૫ વર્ષીય ભિતેશ અમૃત તડવી ગામની બહાર મુખ્ય માર્ગ પરથી આવતો હતો. કોઈ અંગત અદાવત કે કોઈ કારણસર આ ભીતેશને મારી નાખવાનું પૂર્વ આયોજિત કાવતરૂ ઘડી એક અજાણ્યો યુવાન માર્ગ પર હાથમાં ધારિયું અને કેરોસીન ભરેલું કારબું લઇને ઉભો હતો. તેણે ભીતેશને રોકીને કાંઈપણ કહ્યા વિના ધારિયાના ૩ ઘા ગળાના ભાગે મારી દેતા ભીતેશ ઢળી પડયો હતો. અજાણ્યા યુવાને કેરબામાંથી કેરોસીન છાંટીને તેને સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આસપાસથી દોડી આવેલાં લોકોએ પથ્થરો મારતાં હત્યારો બાઇક લઇને ભાગી ગયો હતો. બનાવની જાણ થતાં ડીવાયએસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર દોડી ગયાં હતાં.




