NANDODNARMADA

નર્મદા જિલ્લામાં ધોરણ- ૧૦ – ૧૨ બોર્ડની પરીક્ષાઓમાં ૨૪ કેન્દ્રો ખાતે કુલ-૧૪,૬૨૪ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

નર્મદા જિલ્લામાં ધોરણ- ૧૦ – ૧૨ બોર્ડની પરીક્ષાઓમાં ૨૪ કેન્દ્રો ખાતે કુલ-૧૪,૬૨૪ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

ધો.૧૦ અને ધો.૧૨ ની બોર્ડની પરીક્ષા તા.૧૪મી માર્ચથી તા. ૨૯મી માર્ચ સુધી યોજાશે

રાજપીપલા : જુનેદ ખત્રી

તા. ૧૪મી માર્ચથી રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ- ૧૦ (SSC) અને ૧૨ (HSC) સામાન્‍ય– વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષાઓ નર્મદા જિલ્લામાં સંપૂર્ણ સુચારૂ રીતે લેવાય અને વિદ્યાર્થીઓ નિર્ભિકપણે પરીક્ષામાં ભાગ લેવા સાથે આ પરીક્ષાઓ શાંતિમય વાતાવરણમાં સંપન્ન થાય તેવા હેતુસર જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

બોર્ડની આ જાહેર પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થીઓ નિર્ભિકપણે પરીક્ષા આપી શકે તેમજ રાજપીપલા શહેર ઉપરાંત તાલુકા-ગ્રામ્યકક્ષાએથી આવતા પરીક્ષાર્થીઓને કોઇપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે વધારાની બસો ફાળવવા અને વિદ્યાર્થીઓને લેવા જતી બસ કોઇપણ કારણોસર બંધ પડે તો તાત્કાલિક અન્ય બસોની વૈકલ્પિક વ્યવસ્થા તૈયાર રાખવાની સાથે પોલીસ, વિજ, આરોગ્ય જેવા વિભાગોને વિશેષ લક્ષ આપી ખાસ તકેદારી રાખવાની પણ જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયા દ્વારા સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચનાઓ આપી હતી.

બેઠક દરમિયાન જિલ્લા શિક્ષણાધિકારી એમ.સી.ભૂસારાએ પરીક્ષા સંબંધે થયેલી તૈયારીઓની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, બોર્ડની આ જાહેર પરીક્ષાઓમાં જિલ્લામાં ધોરણ-૧૦ માં જિલ્લાના ૧૬ પરીક્ષા કેન્દ્રો ખાતે ૯,૮૧૬ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તેના માટે ૩૧ પરીક્ષા બિલ્ડીંગોમાં ૩૪૨ બ્લોક નક્કી કરાયા છે. જ્યારે ધોરણ- ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ૦૬ પરીક્ષા કેન્દ્રો ખાતે ૫૨૪૪ પરીક્ષાર્થીઓ બેસશે, જે માટે ૧૩ બિલ્ડીંગમાં ૧૭૧ બ્લોક નક્કી કરાયા છે. તેવી જ રીતે ધોરણ- ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં જિલ્લામાં બે પૈકી રાજપીપલામાં શ્રી એમ.આર.વિદ્યાલય, સરકારી હાઈસ્કૂલ રાજપીપલા અને શ્રીમતી સુરજબા મહિડા કન્યા વિનય મંદિર ખાતે જ્યારે દેડીયાપાડામાં સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કુલ નિવાલ્દા ખાતે ૬૧ બ્લોકમાં ૧૨૫૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

બોક્ષ

પ્રાથમિક સારવાર માટેની દવાઓનો પૂરતો જથ્‍થો પણ પરીક્ષા કેન્દ્રો ખાતે ઉપલબ્‍ધ કરાવાશે

બોર્ડની આ જાહેર પરીક્ષાઓમાં તમામ બ્‍લોકમાં CCTV કેમેરા લગાડવામાં આવેલ છે. ગેરરીતી કરનાર કે કરાવનાર કોઇપણ વ્‍યકિત કેમેરામાં કેદ થશે તો કેમેરાના ફુટેજના આધારે આવી વ્‍યકિતઓ સામે નિયમાનુસાર શિક્ષાત્‍મક કાર્યવાહી કરવામાં આવશે. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને આરોગ્યલક્ષી કોઈ જરૂરિયાત જણાય તો પ્રાથમિક સારવાર માટેની જરૂરી તમામ દવાઓનો પૂરતો જથ્‍થો પણ પરીક્ષા કેન્દ્રો ખાતે ઉપલબ્‍ધ કરાશે.

પરીક્ષા સ્થળસુધી વિદ્યાર્થીઓને પહોંચવામાં મદદરૂપ થવા નાગરિકોને જાહેર અપીલ

જિલ્લા શિક્ષણાધિકારી એમ.સી.ભૂસારાએ નર્મદા જિલ્લાના નાગરિકોને જાહેર અપીલ કરતા જણાવ્યું હતું કે, બોર્ડ દ્વારા લેવાનારી આ પરીક્ષાઓ દરમિયાન કોઈપણ વિદ્યાર્થી પોતાના ગામથી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા માટે રસ્તામાં વાહનની રાહ જોતા નજરે પડે તો ત્યાંથી પોતાનું વાહન લઈ પસાર થતા નાગરિકોએ આવા વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી સમયસર પહોંચવામાં મદદરૂપ થવું. જેથી વિદ્યાર્થી સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી સરળતાથી પહોંચી શકે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!