વલસાડના છીપવાડ ખાતે રક્તદાન શિબિર સાથે ધૂળેટીની અનોખી ઉજવણી, માત્ર ૪ કલાકમાં ૫૫ બોટલ રક્ત એક્ત્ર થયું

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

વલસાડ શહેરના નાની છીપવાડ યુવક મંડળ અને વાવડી ગણેશ મહોત્સવનાં સંયુક્ત ઉપક્રમે અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ (ARDF) અતુલના સહયોગથી ધુળેટીનાં પાવન પર્વે ૨૯માં રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું. જેમાં ફક્ત ચાર કલાક માં ૫૫ રકતદાતાઓએ રક્તદાન કરી ધુળેટી પર્વની અનોખી ઉજવણી કરી હતી. આ શિબિરમાં છ જેટલી મહિલા રક્તદાતાઓએ પણ રક્તદાન કરી અન્યને પ્રેરણા પુરી પાડી હતી. આ શિબિર માં પોતાના ૧૮ વર્ષ પુર્ણ થતા ધૃવ પ્રજાપતિ તથા સિધ્ધ ભાવસારે પ્રથમ વખત રક્તદાન કર્યું હતું. મહિલા રક્તદાતા સોનલ ભાવસારે ૧૫મું રક્તદાન કર્યુ હતુ.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ બંન્ને મંડળો છેલ્લા ૧૪ વર્ષથી ગણેશોત્સવ તથા ધુળેટી જેવા ધાર્મિક તહેવારોની ઉજવણીની સાથોસાથ રક્તદાન શિબિર યોજી કરી રહ્યા છે. આ વિસ્તારના બે શતકવીર રક્તદાતાઓ ભીખુ ભાવસાર તથા મોન્ટુ ભંડારી રક્તદાનને પોતાનો જીવનમંત્ર બનાવી રક્તદાન ક્ષેત્રે અવિરત કામગીરી કરી રહ્યા છે. આ રક્તદાન શિબિરમાં શતકવીર રક્તદાતાઓ ભવભૂતિ ભટ્ટ, સુનિલ પટેલ તથા મનોજ કાપડીયાએ ઉપસ્થિત રહી રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા. વલસાડ તાલુકા હોલસેલ વેપારી મહામંડળના પ્રમુખ સમીર મપારા તથા ઉપપ્રમુખ શિવલાલ મેવાડાએ પણ ખાસ ઉપસ્થિત રહી મંડળની સેવાકીય પ્રવૃતિને બિરદાવી હતી. વલસાડ રકતદાન કેન્દ્રના મેડીકલ ઓફિસર ડો.કમલ પટેલના માર્ગદર્શન હેઠળ ડો. હેતી ગામીત તથા સમગ્ર ટીમની કામગીરી શિસ્તબદ્ધ તથા સરાહનીય રહી હતી. આ રક્તદાન શિબિરને સફળ બનાવવા માટે ભીખુ ભાવસાર, મોન્ટુ ભંડારી, કિરણ ભંડારી, પરેશ પ્રજાપતિ, હીરેન ભંડારી તથા જયેશ મહેતાએ ભારે જહેમત ઉઠાવી હતી.



