TANKARA:ટંકારા બોટાદમાં પ્રોગ્રામ કરવા જવાની ના પાડી ડાક કલાકારને જાનથી મારી નાખવાની ધમકી, બે સામે ફરિયાદ

TANKARA:ટંકારા બોટાદમાં પ્રોગ્રામ કરવા જવાની ના પાડી ડાક કલાકારને જાનથી મારી નાખવાની ધમકી, બે સામે ફરિયાદ
ટંકારા: કલાજગતમાં સ્પર્ધા ક્યારેક ગંભીર સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે, આવી જ એક ઘટના ટંકારામાં સામે આવી છે. ટંકારાના એક ડાક કલાકાર બોટાદ બાજુ પ્રોગ્રામ કરવા જવાના હોય, જે બાબત અન્ય બે શખ્સોને પસંદ ન આવતા કલાકારને ફોન પર બેફામ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ, ટંકારાના ઘેટીયા વાસમાં રહેતા હરેશભાઇ ગુણવંતભાઈ પનારા (ઉ.વ. ૨૬) પ્રોફેશનલ ડાક કલાકાર છે અને ડાયરાના કાર્યક્રમો કરે છે. તેમની સામે પક્ષે આરોપીઓ શૈલેષ વિરમભાઇ રાવળ અને હરેશ કણબી (બંને રહે. નીંગાળા, તા. જિ. બોટાદ) પણ ડાયરાના ક્ષેત્ર સાથે જોડાયેલા છે.હરેશભાઇ પનારા બોટાદ પંથકમાં ડાકલા વગાડવા માટે પ્રોગ્રામમાં જવાના હતા. આરોપીઓને આ વાતની જાણ થતા તેઓને તે ગમ્યું ન હતું. આ અદાવતમાં આરોપીઓએ ફરિયાદી હરેશભાઇને ફોન કરીને બેફામ ગાળો ભાંડી હતી.”તું નીંગાળા બોટાદ બાજુ પ્રોગ્રામ કરવા ક્યારે આવવાનો છે?” તેમ કહી પડકાર ફેંક્યો હતો.ત્યાં આવ્યે ભેગા થવાનું કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ ધમકીભર્યા ફોન બાદ ડરના માર્યા કલાકાર હરેશભાઇ પનારાએ ટંકારા પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુન્હો નોંધીને કાયદેસરની તપાસ અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.









