દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ટી.બી.અંગે જાગૃતિ ફેલાવવા માટે આરોગ્ય કર્મચારીઓની ટેનીસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ
માહિતી બ્યુરો, દેવભૂમિ દ્વારકા
દેશભરમાં ચાલી રહેલા ૧૦૦ દિવસ ટી.બી.અભિયાન અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં “ટી.બી.હારેગા,દેશ જીતેગા”ની થીમ પર ટી.બી.અંગે લોકોમાં જાગૃતિ કેળવાય તે હેતુથી જિલ્લાના આરોગ્ય કર્મચારીઓની ટેનીસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં જિલ્લાના તમામ તાલુકા તેમજ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા સહિત કુલ ૮ ક્રિકેટ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ભાગ લેનાર તમામ ટીમોને તેના ડ્રેસ કોડમાં તથા ટ્રોફીમાં ટી.બી.અંગેના લોગો અને સૂત્રો તથા ટી.બી.ની થીમ પર ક્રિકેટ મેદાન પર સુંદર રંગોળી દ્વારા પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો હતો. જિલ્લા ક્ષય અધિકારીશ્રી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન અને સહયોગથી યોજાયેલ આ ટેનીસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ ખેલાડીઓને પ્રોત્સાહિત કરી ક્રિકેટની જેમ ટીમવર્કથી ક્ષય રોગ નિવારણ અને વિવિધ આરોગ્યલક્ષી કામગીરી કરીને ઉત્તમ પરિણામ લાવવા પ્રેરણા આપી હતી.