TANKARA:ટંકારા તાલુકાનું ગૌરવ : મેઘપર(ઝાલા)ના શિક્ષિકાને ચિત્રકૂટ એવોર્ડ સન્માન.

TANKARA:ટંકારા તાલુકાનું ગૌરવ : મેઘપર(ઝાલા)ના શિક્ષિકાને ચિત્રકૂટ એવોર્ડ સન્માન.
તા. 14 જાન્યુઆરી 2026: પરમ પૂજ્ય વિશ્વ વંદનીય સંત શ્રી મોરારીબાપુ દ્વારા દર વર્ષે આયોજિત ચિત્રકૂટ એવોર્ડ કાર્યક્રમમાં આ વર્ષે ગુજરાતના 36 પ્રાથમિક શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા સ્થિત ચિત્રકૂટ ધામ ખાતે મકર સંક્રાંતિના પાવન પર્વે યોજાયો હતો. ગુજરાતના કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મંત્રીશ્રીએ શિક્ષકોને તેમના શબ્દોથી પ્રેરિત કર્યા હતા. આ એવોર્ડ પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનારા શિક્ષકોને વિશેષ સ્થાન અર્પે છે અને તેમના કાર્યને પ્રોત્સાહન આપે છે.
આ વર્ષના પુરસ્કાર વિજેતાઓમાં મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના મેઘપર (ઝાલા) પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષિકા શ્રીમતી હેતલબેન કાંતિલાલ સોલંકી(વરૂ)નો પણ સમાવેશ થયો છે. તેઓને વર્ષ 2025ના ચિત્રકૂટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ અગાઉ તેઓને પ્રતિભાશાળી શિક્ષક, ટંકારા તાલુકા શ્રેષ્ઠ શિક્ષક, મોરબી જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક સહિત અન્ય કેટલાક સન્માન મળેલ છે. છેલ્લા 16 વર્ષથી તેઓ ભાષા શિક્ષિકા તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે અને શાળાકીય પ્રવૃત્તિઓ તેમજ દૈનિક શિક્ષણકાર્યમાં સતત કાર્યરત રહી બાળકોના શૈક્ષણિક વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
આ સન્માનની પસંદગી બદલ ટંકારા તાલુકાના શિક્ષકગણ, સી.આર.સી. શ્રી મનસુખભાઈ ખાટાણા, બી.આર.સી. શ્રી કલ્પેશભાઈ ફેફર, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ શ્રી વિરમભાઈ દેસાઈ સહિત મોરબી જિલ્લાના આગેવાનોએ શુભેચ્છાઓ પાઠવી છે. પૂ. બાપુના હસ્તે આ સન્માન મળતા સમગ્ર ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજમાં પણ ગૌરવની લાગણી વ્યાપી છે.
આ કાર્યક્રમ શિક્ષણ ક્ષેત્રે સમર્પિત વ્યક્તિઓને પ્રોત્સાહિત કરવાના હેતુથી આયોજિત કરવામાં આવે છે અને તે રાજ્યમાં પ્રાથમિક શિક્ષણના ઉત્થાનમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.







