CBSEએ ધોરણ-9થી 12 માટે નવો અભ્યાસક્રમ જાહેર કર્યો

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડએ 2025-26 શૈક્ષણિક સત્ર માટે ધોરણ 9, 10, 11 અને 12ના વિદ્યાર્થીઓનો નવો અભ્યાસક્રમ જાહેર કર્યો છે. વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો નવો અભ્યાસક્રમ સીબીએસઈની સત્તાવાર વેબસાઈટ cbseacademic.nic.in જોઈ શકશે. CBSEના એકેડેમિક ડિરેક્ટર ડૉ.પ્રજ્ઞા એમ.સિંહે કહ્યું કે, ‘નવા આ અભ્યાસક્રમ શૈક્ષણિક સામગ્રી, પરીક્ષા માટેનો અભ્યાસક્રમ, શીખવાના પરિણામો, ભલામણ કરેલ શૈક્ષણિક પ્રથાઓ અને મૂલ્યાંકન માળખા પર વિગતવાર દિશા-નિર્દેશ જાહેર કરાયા છે.’
સીબીએસઈએ શાળાઓને અભ્યાસક્રમની માર્ગદર્શિકાઓનું પાલન કરવા અને વિદ્યાર્થીઓની જ્ઞાનાત્મક સમજ વધારવા માટે પ્રાયોગિક શિક્ષણ, કૌશલ્ય-આધારિત મૂલ્યાંકન અને આંતરશાખાકીય અભિગમને એકીકૃત કરવા નિર્દેશ આપ્યો છે. શાળાઓને રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્ક (NCF) 2023 હેઠળ શિક્ષણની વિવિધ જરૂરિયાતોને પૂરી કરવા માટે યોગ્ય શિક્ષણ પદ્ધતિઓ અપનાવવા તેમજ પ્રોજેક્ટ-આધારિત શિક્ષણ, તપાસ-સંચાલિત અભિગમ અને તકનીકી શિક્ષણના પ્રોત્સાહન પર ધ્યાન કેન્દ્રિત કરવા કહેવામાં આવ્યું છે.



