MORBI:મોરબીમાં વ્યાજખોરીનો આતંક: 50 હજાર સામે 1.50 લાખની પઠાણી ઉઘરાણી, વેપારીની કાર પડાવી જાનથી મારી નાખવાની ધમકી

MORBI:મોરબીમાં વ્યાજખોરીનો આતંક: 50 હજાર સામે 1.50 લાખની પઠાણી ઉઘરાણી, વેપારીની કાર પડાવી જાનથી મારી નાખવાની ધમકી
મોરબી જિલ્લામાં વ્યાજખોરીનું દૂષણ દિન-પ્રતિદિન વકરી રહ્યું છે. તાજેતરમાં શ્રી પાટીદાર યુવા સંઘ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા DySP ને રજૂઆત કરવામાં આવી હતી, તેની વચ્ચે જ વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મોરબીના એક વેપારીએ લીધેલા 50 હજાર રૂપિયા સામે વ્યાજખોરે દોઢ લાખની ઉઘરાણી કરી કાર પડાવી લેતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ, મોરબીના શનાળા (જુના ગામ) માં રહેતા અને વેપાર કરતા 45 વર્ષીય અરવિંદભાઈ હરજીભાઈ પનારાએ લિલાપર રોડ પર બોરીચા વાસમાં રહેતા ભરતભાઈ કાળુભાઈ ગોગરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીએ આરોપી પાસેથી દસ દિવસ માટે ₹50,000 વ્યાજે લીધા હતા અને તેની સામે પોતાની એસેન્ટ કાર (નંબર GJ-01-KN-8225) ગીરવે મૂકી હતી.જ્યારે ફરિયાદી વ્યાજ સહિતના પૈસા પરત આપવા ગયા, ત્યારે આરોપી ભરતભાઈએ પઠાણી ઉઘરાણી કરી કુલ ₹1,50,000 ની માંગણી કરી હતી. એટલું જ નહીં, આરોપીએ કાર પરત આપવાનો ઇનકાર કરી ફરિયાદી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી ગાળો ભાંડી હતી.આ મામલે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ગુનો નોંધીને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









