MORBI:મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત ‘કૃષિ વિકાસ દિન’-‘રવિ કૃષિ મહોત્સવ’ યોજાયો
MORBI:મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત ‘કૃષિ વિકાસ દિન’-‘રવિ કૃષિ મહોત્સવ’ યોજાયો
“કૃષિ મહોત્સવ થકી કૃષિ કલ્યાણની વિવિધ યોજનાઓના લાભ આજે જન જન સુધી પહોંચ્યા છે” જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેઘી
મહાનુભાવોના હસ્તે ખેડૂતોને વિવિધ યોજનાઓ હેઠળ રૂ.૧૩.૧૬ લાખથી વધુના લાભોનું વિતરણ કરાયું
મોરબીમાં વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે જ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને પટેલ સમાજ વાડી – સનાળા ખાતે ‘કૃષિ વિકાસ દિન’-‘રવિ કૃષિ મહોત્સવ’ યોજાયો હતો.
આ પ્રસંગે શ્રી હંસાબેન પારેઘીએ જણાવ્યું હતું કે, કૃષિ મહોત્સવનો દેશના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રારંભ કરાવ્યો હતો જેના થકી કૃષિ કલ્યાણની વિવિધ યોજનાઓના લાભ આજે જન જન સુધી પહોંચ્યા છે. ખેડૂતોના કલ્યાણ માટે બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે જેના કારણે આજે ખેડૂતો સમૃદ્ધ બન્યા છે. વધુમાં તેમણે સોઇલ હેલ્થ કાર્ડ, કૃષિ યાંત્રિકીકરણ, સ્માર્ટફોન સહાય તેમજ ખેતરની ફરતે તારની વાડ બનાવવા સહિતની યોજનાઓની વાત કરી હતી.
ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, ખેડૂતોને સરકાર દ્વારા વિના વ્યાજે ધિરાણ પૂરું પાડવામાં આવે છે અને અનેક સાધન સહાય માટે સબસીડી પણ પૂરી પાડવામાં આવે છે. સિંચાઈ માટે પૂરતું પાણી મળવાથી ખેડૂતો આજે વધુ સીઝન લઈ શકે છે. સરકાર હંમેશા ખેડૂતોની પડખે ઊભી છે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું.
ઈનચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી નવલદાન ગઢવીએ જણાવ્યું હતું કે, જમીન એ ખેડૂતોની સાચી મિલકત છે તેથી તેનું જતન કરવા ખેડૂતોને જાગૃત થવા જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આપણો દેશ ખેડૂતપ્રધાન છે અને આપણું અર્થતંત્ર કૃષિક્ષેત્ર પર નિર્ભર છે, ત્યારે ખેડૂતો સમૃદ્ધ બને તે માટે સરકાર કટિબદ્ધ છે.
ખેડૂતોનો કૃષિ ઉત્પાદન વધારવા, નવી તાંત્રિકતા ખેડૂતો સુધી પહોંચાડવા તથા વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડી ખેતી ખર્ચ ઘટાડી તેમની આવક વધારવા જેવા ઉદ્દેશો સાથે યોજાયેલ ‘રવિ કૃષિ મહોત્સવ’ કાર્યક્રમમાં ખેડૂતોને કૃષિ લગતી તાર ફેન્સીંગ, ટ્રેક્ટર ઓપરેટર સ્પ્રેયર પંપ, ટ્રેક્ટર, કૃષિ યાંત્રીકરણમાં પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમ સહિતની વિવિધ યોજનાઓ હેઠળ રૂપિયા ૧૩.૧૬ લાખથી વધુના લાભોનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત તજજ્ઞો દ્વારા ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અને સફળ પ્રગતિશીલ ખેડૂતો દ્વારા તેમના અનુભવો વ્યક્ત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મોરબી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અશોકભાઈ દેસાઈ, મોરબી જિલ્લા પંચાયતના સભ્યશ્રી જયંતિભાઈ પડસુંબિયા, ચેમ્બર ઓફ કોમર્સના ચેરમેનશ્રી જયંતિભાઈ પટેલ, મોરબી પ્રાંત અધિકારીશ્રી સુશીલ પરમાર, મામલતદારશ્રી સાગર ત્રાંબડીયા, તાલુકા વિકાસ અધિકારીશ્રી જે.પી. વણપરીયા, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકશ્રી એ.વી. ખાનપરા, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી હિમાંશુ ઉસદડીયા, મદદનીશ બાગાયત નિયામકશ્રી બી.પી. જેઠલોજા સહિત પદાધિકારી/અધિકારી તથા ખેડૂતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.