આર.બી.આઇ. દ્વારા દિવ્યાંગજનો માટે નાણાકીય સાક્ષરતા કેમ્પનું આયોજન
પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ, ગુજરાત: ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા તાજેતરમાં પંચમહાલના જાંબુઘોડા ખાતે દિવ્યાંગજનો માટે એક વિશેષ નાણાકીય સાક્ષરતા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ‘જ્ઞાનથી સશક્તિકરણ’ના સૂત્રને સાર્થક કરવાના ભાગરૂપે આ કાર્યક્રમ બીઆરસી ભવનમાં યોજાયો હતો.
આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ દિવ્યાંગજનોને નાણાકીય બાબતો અંગે જાગૃત કરવાનો હતો. આ કાર્યક્રમમાં આર.બી.આઇ., અમદાવાદના આસિસ્ટન્ટ જનરલ મેનેજર, શ્રી ભૂપેન્દ્ર ત્રિપાઠી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ખૂબ જ સરળ અને અસરકારક શૈલીમાં આર.બી.આઇ.ના દિવ્યાંગજનો માટેના વિશેષ પરિપત્રો, દિવ્યાંગ સહાયનો કાયદો, સાઇબર ક્રાઇમથી બચવાનાં ઉપાયો, ઘરેલું બચત અને લોકપાલ યોજના વિશે વિગતવાર માહિતી આપી હતી.
કાર્યક્રમને વધુ રસપ્રદ બનાવવા માટે પ્રશ્નોત્તરીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાચા જવાબ આપનારને આકર્ષક ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કેમ્પમાં કુલ 47 પ્રજ્ઞાચક્ષુ, 2 શ્રવણ બાધિત, 12 લોકોમોટિવ અક્ષમ, 1 બહુવિધ અક્ષમ, 8 બૌદ્ધિક રીતે અક્ષમ અને 4 સિકલ સેલ એનિમિયાથી પીડિત સહિત અનેક દિવ્યાંગજનોએ ભાગ લીધો હતો. શ્રવણ બાધિત વ્યક્તિઓ સરળતાથી માહિતી સમજી શકે તે માટે સાઇન લેંગ્વેજ ઇન્ટરપ્રિટરની પણ ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ પ્રસંગે મુખ્ય જિલ્લા મેનેજર એસ. કે. રાવ અને એફએલસી કાઉન્સેલર રિદ્ધિ કોઠારીએ સામાજિક સુરક્ષા યોજનાઓ, જનરલ બેન્કિંગ, નોમિનેશનની સુવિધા અને ઇનઓપરેટિવ એકાઉન્ટ વિશે જાણકારી આપી હતી.
આર.બી.આઇ. તરફથી દરેક સહભાગીને ઉપયોગી કિટ અને એક સ્કૂલ બેગ આપવામાં આવી હતી. દૃષ્ટિહીન બેંક કર્મચારી કલ્યાણ સંગઠન (VIBEWA) દ્વારા ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા સુરક્ષા અધિકારી શ્રી પુષ્પેન્દ્ર સિંહ સોલંકી અને બીઆરસી ભવનના સંયોજક રમેશ સર પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પ દિવ્યાંગજનોને આર્થિક રીતે સશક્ત બનાવવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું પૂરવાર થયો હતો.