MORBI:મોરબી મનપાનું બુલડોઝર ફરી વળ્યું: દલવાડી સર્કલ પાસે રોડ સાઈડના ૩૦ દબાણોનો સફાયો

MORBI:મોરબી મનપાનું બુલડોઝર ફરી વળ્યું: દલવાડી સર્કલ પાસે રોડ સાઈડના ૩૦ દબાણોનો સફાયો
મોરબી: મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના રસ્તાઓને ખુલ્લા અને વ્યવસ્થિત કરવા માટે ‘દર બુધવારે દબાણ હટાવો’ અભિયાન વેગવંતું બનાવવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે દલવાડી સર્કલથી પ્રધાનમંત્રી આવાસ યોજના તરફ જવાના રસ્તા પર કેનાલની બાજુમાં થયેલા કાચા દબાણો પર તંત્રએ લાલ આંખ કરી હતી.ડેપ્યુટી કમિશનરની હાજરીમાં કડક કાર્યવાહી મનપાના ડેપ્યુટી કમિશનર સંજય સોનીની સીધી દેખરેખ હેઠળ આજે સવારથી જ મનપાની ટીમ કાફલા સાથે ત્રાટકી હતી. રોડની સાઈડમાં આવેલા અંદાજે 30 જેટલા કાચા ઝુંપડાના દબાણોને દૂર કરી રસ્તો ખુલ્લો કરાવવામાં આવ્યો હતો. આ કાર્યવાહીથી રોડ સાઈડની કિંમતી જગ્યા ફરી એકવાર દબાણમુક્ત બની છે.
એક વર્ષ બાદ ફરી એ જ જગ્યાએ બુલડોઝર ફર્યું
ઉલ્લેખનીય છે કે, આ એ જ વિસ્તાર છે જ્યાં બરાબર એક વર્ષ પહેલા એટલે કે માર્ચ 2025 માં પણ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. જોકે, છેલ્લા કેટલાક મહિનાઓમાં દબાણખોરોએ ફરીથી ત્યાં ઝૂંપડા તાણી દીધા હતા. વારંવાર થતા દબાણને રોકવા માટે તંત્રએ આ વખતે આકરી કાર્યવાહી કરી છે.”મોરબી મનપા અસ્તિત્વમાં આવ્યા બાદ અમે દર બુધવારે અલગ-અલગ વિસ્તારોમાં દબાણ હટાવવાની કામગીરી કરીએ છીએ. આજે 30 ઝૂંપડા દૂર કરાયા છે. આગામી સમયમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ જો રોડ સાઈડમાં દબાણ જણાશે, તો તેને પણ કોઈ પણ શેહશરમ રાખ્યા વગર દૂર કરવામાં આવશે.”— સંજય સોની, ડેપ્યુટી કમિશનર, મોરબી મનપા











