MORBI:મોરબી પતિ સાથેના ઝઘડાનો ખાર રાખી પુત્રવધૂએ સસરાને તપેલી ફટકારી, જાનથી મારી નાખવાની ધમકી આપી

MORBI:મોરબી: પતિ સાથેના ઝઘડાનો ખાર રાખી પુત્રવધૂએ સસરાને તપેલી ફટકારી, જાનથી મારી નાખવાની ધમકી આપી
મોરબી: શહેરના દલવાડી સર્કલ નજીક કૌટુંબિક કલેશની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પતિ-પત્ની વચ્ચેના આંતરિક ઝઘડામાં વચમાં પડેલા વૃદ્ધ સસરા પર પુત્રવધૂએ હુમલો કરી, ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.
મોરબીના દલવાડી સર્કલ પાસે આવેલી ‘રોલા રાતડીયાની વાડી’ વિસ્તારમાં રહેતા દેવકરણભાઈ નારાયણભાઈ ડાભી (ઉ.વ. 60) એ પોતાની પુત્રવધૂ મનીષાબેન દિલીપભાઈ ડાભી વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીના પુત્ર અને પુત્રવધૂ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી અવારનવાર ઝઘડા થતા હતા. પતિ સાથે થયેલા ઝઘડાનો ખાર રાખીને ઉશ્કેરાયેલી પુત્રવધૂએ સસરા દેવકરણભાઈને બેફામ ગાળો ભાંડી હતી. એટલું જ નહીં, રસોઈ બનાવવાની તપેલી વડે સસરાના હાથ પર પ્રહાર કરી ઈજા પહોંચાડી હતી. પુત્રવધૂએ વૃદ્ધ સસરાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.આ બનાવ અંગે દેવકરણભાઈની ફરિયાદના આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે આરોપી પુત્રવધૂ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.









