MORBI:દિપાવલીના પર્વને યુનેસ્કોની અમૂર્ત ધરોહરમાં સમાવેશ; સમગ્ર દેશ અને રાજ્યની સાથે મોરબીમાં પણ ડિસેમ્બરમાં દિવાળીની ઉજવણી

MORBI:દિપાવલીના પર્વને યુનેસ્કોની અમૂર્ત ધરોહરમાં સમાવેશ; સમગ્ર દેશ અને રાજ્યની સાથે મોરબીમાં પણ ડિસેમ્બરમાં દિવાળીની ઉજવણી
મોરબીની ઐતિહાસિક ધરોહર એવા મણીમંદિર ખાતે ૫ હજાર દીવડાના પ્રકાશ તેમજ તિરંગાના રોશની શણગાર સાથે મોરબીએ આ ગૌરવશાળી ક્ષણને ઉત્સાહભેર વધાવી
ભારતીય સંસ્કૃતિમાં જે પર્વનું સવિશેષ મહત્વ છે તેવા દીપોત્સવીને યુનેસ્કો દ્વારા ઇન્ટેજીબલ કલ્ચર હેરિટેજમાં સ્થાન મળતા દેશભરમાં હર્ષ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીની ઐતિહાસિક ધરોહર એવા મણીમંદિર ખાતે જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરી તેમજ સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગૌરવશાળી ક્ષણને વધાવી લઈ મોરબી જિલ્લા કલેકટરશ્રી કે.બી. ઝવેરી તથા મોરબી મહાનગરપાલિકાના કમિશ્નરશ્રી સ્વપ્નિલ ખરે સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં અનેરા ઉત્સાહ સાથે ડિસેમ્બરમાં દિવાળી ઉજવાતી હોય એવા ભાવ સાથે મણીમંદિરમાં ૫ હજાર દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા તથા મણિમંદિરના મહેલ પર તિરંગાનો રોશની શણગાર પણ કરવામાં આવ્યો હતો. મણીમંદિરમાં દિવાળીના પર્વમાં કરવામાં આવે એ રીતે ઠેર ઠેર રંગોળીઓ પણ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમના ભાગરૂપે મોરબીના રાજ્યકક્ષાએ વિજેતા બનેલી બાળાઓ અને બાળકોએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. ઉપરાંત કલેકટરશ્રી સહિતના મણી મંદિરની અંદર આવેલા લક્ષ્મીનારાયણ, રાધાકૃષ્ણ, મહાકાળીમાં સહિતના મંદિરોમાં દેવી દેવતાઓને આરતી પણ ઉતારી હતી.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી શૈલેષચંદ્ર ભટ્ટ, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સમીર સારડા, મોરબી પ્રાંત અધિકારીશ્રી પ્રવીણસિંહ જેતાવત, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી જૈમિન કાકડીયા, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી હિરલ વ્યાસ સહિતના વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ/ કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.











