GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી સિવિલ હોસ્પીટલનો અમાનવીય ચહેરો : યુપીના શ્રમિકને ‘પરપ્રાંતીય’ ગણાવી સીલીકોસીસ સર્ટિફિકેટ આપવાનો ઈન્કાર!

MORBI:મોરબી સિવિલ હોસ્પીટલનો અમાનવીય ચહેરો : યુપીના શ્રમિકને ‘પરપ્રાંતીય’ ગણાવી સીલીકોસીસ સર્ટિફિકેટ આપવાનો ઈન્કાર!

 

માત્ર રાજ્ય બહારના હોવાના કારણે સારવાર અને પ્રમાણપત્ર અટકાવવું એ બંધારણીય હકોનું ઉલ્લેખનીય હનન: કલેક્ટરને કરાતી રજૂઆત.

મોરબીના સિરામિક અને અન્ય ઉદ્યોગોમાં પરપ્રાંતીય શ્રમિકોનો મોટો ફાળો છે, પરંતુ જ્યારે આ શ્રમિકો જીવલેણ બીમારીનો ભોગ બને છે ત્યારે તંત્ર તેમને નોંધારો છોડી દે છે. તાજેતરમાં મોરબી સિવિલ હોસ્પિટલમાં એક એવી ઘટના બની છે જે માનવતાને શરમાવે તેવી છે. મૂળ ઉત્તર પ્રદેશના અને મોરબીમાં મજૂરી કરતા અમિત કુમાર નામના શ્રમિકને સીલીકોસીસ હોવાનું નિદાન થયાં છતાં, માત્ર તેઓ ‘ગુજરાત બહારના છે’ તેવું કારણ આગળ ધરીને હોસ્પિટલ તંત્રએ તેમને સીલીકોસીસનું સર્ટિફિકેટ આપવાનો સાફ ઈન્કાર કરી દીધો છે.

આ અંગે જાગૃત નાગરિકો દ્વારા આજે જિલ્લા કલેક્ટરશ્રી, મોરબી ને લેખિત ફરિયાદ કરવામાં આવી છે. વિગતો મુજબ, તા. ૧૬/૦૨/૨૦૨૬ ના રોજ અમિત કુમાર (UHID No. 20260037332) મોરબી સિવિલ હોસ્પિટલમાં તપાસ માટે ગયા હતા. ત્યાં ડોકટરોએ પ્રાથમિક તપાસમાં સીલીકોસીસ હોવાનું સ્વીકાર્યું, પરંતુ જ્યારે પ્રમાણપત્ર માંગવામાં આવ્યું ત્યારે જવાબ મળ્યો કે, “તમે બહારના રાજ્યના હોવાથી તમને અહીંથી સર્ટિફિકેટ મળી શકશે નહીં.”

રજૂઆતમાં જણાવ્યા મુજબ, આ કૃત્ય ભારતીય બંધારણની કલમ ૧૪ (સમાનતાનો અધિકાર) અને કલમ ૨૧ (જીવવાનો અધિકાર) નો સીધો ભંગ છે. શ્રમિકને રોગ મોરબીના ઉદ્યોગોમાં કામ કરતી વખતે થયો હોય, તો તેની જવાબદારી મોરબી તંત્રની બને છે. રોગ કે મોત રાજ્યની સરહદ જોઈને આવતા નથી.

કલેક્ટરશ્રીને આપેલી રજૂઆતમાં સ્પષ્ટ ઉચ્ચારવામાં આવી છે કે, જો ૭ દિવસમાં અમિત કુમારને સર્ટિફિકેટ આપવામાં નહીં આવે અને જવાબદાર અધિકારી સામે પગલાં લેવામાં નહીં આવે, તો આ બાબતને રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC) સુધી લઈ જવામાં આવશે. તંત્રના આવા ભેદભાવભર્યા વલણને કારણે ગરીબ મજૂરો સરકારી સહાયથી વંચિત રહી જાય છે અને મોતને ભેટે છે.

અંતમાં, આ મુદ્દો માત્ર એક અમિત કુમારનો નથી, પરંતુ મોરબીમાં કામ કરતા લાખો પરપ્રાંતીય શ્રમિકોના આત્મસન્માન અને હકનો છે. તંત્ર તાત્કાલિક જાગે અને યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે .

Back to top button
error: Content is protected !!