GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લાના ખેડૂતો માટે દશપર્ણી અર્ક બનાવવાની પદ્ધતિ જાહેર કરાઈ

MORBI:મોરબી જિલ્લાના ખેડૂતો માટે દશપર્ણી અર્ક બનાવવાની પદ્ધતિ જાહેર કરાઈ

 

 

મોરબી જિલ્લા માહિતી કચેરી દ્વારા પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે અને ખેડૂતોને સતત માર્ગદર્શન મળી રહે તે માટે ખાસ લેખ સિરીઝ શરૂ કરવામાં આવી છે. આજે આપણે દશપર્ણી અર્ક બનાવવાની રીત અને તેના ઉપયોગ વિશે જાણીશું. આ મિશ્રણ બધા જ પ્રકારની જીવાત અને ફૂગના કુદરતી, હાનિરહિત નિયંત્રણ માટે સર્વોત્તમ રહે છે. આ પ્રકારના કુદરતી જંતુનાશક દવાના ઉપયોગથી ખેડૂતોનો ખર્ચો ઘટે છે, રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટે છે, જમીનનું સ્તર સુધરે છે અને આરોગ્યની જાળવણી થાય છે.

અર્ક બનાવવાની રીત :૨૦ લીટર ગૌમૂત્ર, ૨ કિગ્રા તાજા છાણને ૨૦૦ લીટર પાણીમાં નાખીને આ મિશ્રણ લાકડીથી ૨ કલાક હલાવ્યા બાદ છાંયડામાં કોથળાથી ઢાંકવું. આ મિશ્રણમાં ૫૦૦ ગ્રામ હળદરનો પાવડર, ૫૦૦ ગ્રામ આદુની ચટણી, ૧૦ ગ્રામ હિંગનો પાવડર નાખીને આ મિશ્રણને આખી રાત કોથળાથી ઢાંકી દેવું જોઈએ.

ઉપરોક્ત મિશ્રણમાં બીજા દિવસે સવારના ૧ થી ૨ કિગ્રા તીખી મરચીની ચટણી, ૫૦૦ ગ્રામ દેશી લસણની ચટણી, ૧ કિગ્રા તમાકુનો પાવડર નાંખીને તેને લાકડીથી એકસરખી દિશામાં હલાવો અને આ મિશ્રણને કોથળાથી ઢાંકી દો.

ત્રીજા દિવસે કડવા લીમડાના પાન સાથેની ડાળીઓની ચટણી, કરંજ, સીતાફળ, ધતૂરો, એરંડા, બીલીપત્રનું મિશ્રણ તૈયાર કરવાનું રહેશે.

આ સિવાય નગોડ, તુલસીના માંજર, પાન અને ડાળીઓ, ગલગોટાના પંચાગ, કારેલા, બાવળના પૈડીયા, આકડા, આંબા, જાસૂદ, જામફળ, પપૈયા, હળદર, આદુ, કરેણ, દેશી રામ બાવળ, બોરડી, કુવાડીયો, સરગવો, અર્જુન સાદડ, ઘા બાજરીયું/ હાડવેલ, ગળોની વેલના પાંદડા આ મિશ્રણ તૈયાર કરવાનું રહેશે.

ઉપરોક્ત મિશ્રણમાંથી કોઇપણ ૧૦ વનસ્પતિના પાંદડા, દરેક વનસ્પતિના ૨ કિગ્રા કુલ ૨૦ કિગ્રા પાનની ચટણી બનાવીને તેને બીજા દિવસે બનાવેલા મિશ્રણમાં ડુબાડીને રાખી દો. આ મિશ્રણને ૩૦ થી ૪૦ દિવસ સુધી વરસાદ અને સૂર્યના તડકાથી દૂર રાખવું જોઈએ. દરરોજ આ મિશ્રણ એકસરખી દિશામાં ૫- ૫ મિનિટ સુધી વ્યવસ્થિત રીતે લાકડીથી હલાવવું જોઈએ.

અર્કના ઉપયોગની રીત :૧૦૦- ૨૦૦ લીટર પાણીમાં ૬- ૮ લીટર દશપર્ણી અર્ક નાખીને તેને વ્યવસ્થિત રીતે હલાવવું જોઈએ. આ મિશ્રણ સ્થિર થાય ત્યારે ઝીણા કપડાંથી ગાળીને તેનો ૧ એકરમાં છંટકાવ કરવો. આ દશપર્ણી અર્કનો ૬ મહિના સુધી વપરાશ કરી શકાય છે.

Back to top button
error: Content is protected !!