GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: શ્રી કે. ટી.શેઠ વિદ્યાલય ખાતે ૭૫ મો મહાનગરપાલિકા કક્ષાનો વન મહોત્સવ યોજાયો

તા.૧૩/૮/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

એગ્રો ફોરેસ્ટ્રી યોજના અંતર્ગત રાજકોટમાં ૭૬૦ હેક્ટર પર કરાયું વૃક્ષોનું વાવેતર

Rajkot: સામાજિક વનીકરણ વિભાગ રાજકોટ દ્વારા મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયાની અધ્યક્ષતામાં શ્રી કેશવલાલ તલકચંદ શેઠ વિદ્યાભવન રાજકોટ ખાતે ૭૫માં મહાનગરપાલિકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

આ તકે ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું કે, આપણી સંસ્કૃતિમાં વૃક્ષોને આપણા પૂજનીય દર્શાવવામાં આવ્યા છે. વૃક્ષ આપણા જીવનમાં જન્મથી લઈ મૃત્યુ સુધી દરેક પડાવમાં વૃક્ષો જોડાયેલા છે ત્યારે એક વૃક્ષ વાવીને પર્યાવરણ બચાવવાના આ અભિયાનમાં જનતા પણ સહભાગી બનીએ. દરેક બાળકનો તેની માતા સાથે વિશિષ્ટ સંબંધ હોય છે ત્યારે માતાના ઋણને ચૂકવવા “એક પેડ મા કે નામ” અભિયાન હાલ સાર્થક થઈ રહ્યું છે. ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળાએ વૃક્ષ વાવી પર્યાવરણની જાળવણી તેમજ પાણી બચાવવા પર ભાર મૂકયો હતો.

આ પ્રસંગે ધારાસભ્યશ્રી દર્શિતાબેન શાહે વૃક્ષને સાચા મિત્ર તથા મહાદેવ જેવા પરોપકારી જણાવતા કહ્યું હતું કે, જેમ સમુદ્ર મંથનમાંથી હળાહળ વિષને મહાદેવે ગ્રહણ કરી અમૃત વિશ્વને આપ્યું હતું તેવી જ રીતે વૃક્ષો પણ પૃથ્વી પરનું કાર્બન ડાયોક્સાઇડ સમાન ઝેર પોતે લઈને આપણને અમૃતરૂપી ઓક્સિજન આપે છે.એક વૃક્ષ તેના જીવનના ૫૦ વર્ષના કાર્યકાળમાં ૪ કરોડ રૂપિયાથી વધુ રૂપિયાનો ઓક્સિજન આપે છે ત્યારે આપણી આવતીકાલને જો સુરક્ષિત રાખવી હશે તો આવનારી પેઢીએ વૃક્ષોને અને પાણીને બચાવી, વૃક્ષના વાવેતર સાથે તેના સંવર્ધનનો સંકલ્પ દ્રઢતાપૂર્વક નિભાવવો પડશે, તેથી વૃક્ષારોપણમાં વધુને વધુ ભાવિ પેઢી સહભાગી બને તેવી અભ્યર્થના તેમણે વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે નાયબ વન સંરક્ષકશ્રી તુષાર પટેલે વન વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરી અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. જેમાં જણાવ્યું હતું કે, રાજકોટ વન વિભાગ દ્વારા સામાજિક વનીકરણ યોજના અંતર્ગત ૩૪૯ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે.એગ્રો ફોરેસ્ટ્રી યોજનામાં ૭૬૦ હેક્ટર પર.વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. જે માટે લોકોને ૩૧.૮૮ લાખની સહાય આપવામાં આવશે. કાર્યક્રમ બાદ મંત્રીશ્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું અને વૃક્ષ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

એક પેડ મા કે નામ” અભિયાન અંતર્ગત યોજાનાર આ કાર્યક્રમમાં રાજયસભા સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, મહાનગરપાલિકાના શાસકપક્ષના નેતાશ્રી લીલુબેન જાદવ, રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ડી.પી.દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!