MORBI:મોરબી જિલ્લા માહિતી કચેરી દ્વારા રંગોળીમાં ગુજરાતની અસ્મિતા અને લોકસંસ્કૃતિને ઉજાગર કરતી ભાતીગળ લીંપણ આર્ટ રજૂ કરાઈ

MORBI:મોરબી જિલ્લા માહિતી કચેરી દ્વારા રંગોળીમાં ગુજરાતની અસ્મિતા અને લોકસંસ્કૃતિને ઉજાગર કરતી ભાતીગળ લીંપણ આર્ટ રજૂ કરાઈ
દિપાવલીના પર્વ અંતર્ગત અત્રેની કચેરી ખાતે રંગોળી, તોરણ અને સુંદર સુશોભન કરાયું
સંપાદન સહયોગ : પારૂલ આડેસરા, બી.એન.જાડેજા અને જે.કે.મહેતા
જિલ્લા માહિતી કચેરી મોરબી દ્વારા આપણા રાજ્યની વિવિધ ભાતીગળ સંસ્કૃતિ, લોક સંસ્કૃતિ અને લોક કળાને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પ્રકારના લોકડાયરા, માહિતી પ્રદર્શન અને વિવિધ ખાસ લેખના પ્રચાર પ્રસારનું આયોજન કરવામાં આવતું હોય છે. જેનાથી નાગરિકો સુધી આપણી મહાન સંસ્કૃતિનો મહત્તમ રીતે પ્રચાર પ્રસાર થઈ શકે.
આજરોજ તારીખ ૩૦ ઓક્ટોબરના રોજ મોરબી જિલ્લા માહિતી કચેરી ખાતે સહાયક માહિતી નિયામક સુશ્રી પારૂલબેન આડેસરાના માર્ગદર્શન મુજબ દિવાળી અને નુતન વર્ષના પવન પર્વ પર ગુજરાતની અસ્મિતા અને લોકસંસ્કૃતિને ઉજાગર કરતી ભાતીગળ લીંપણ આર્ટ રજૂ કરવામાં આવી હતી. આ લીંપણ આર્ટમાં આભલા, સતારા, ગોબર અને વિવિધ એક્રેલીક કલરનો ઉપયોગ કરીને તેને રંગોળીના સ્વરૂપમાં રજૂ કરવામાં આવે છે.
સદીઓ જૂની આપણી આ લોકકળા એ સૌરાષ્ટ્ર પંથકની વિશેષ ઓળખ છે. ખાસ કરીને તે કચ્છ તરફના ગામડામાં વધુ પ્રચલિત છે. આ વિસ્તારોમાં ઘરે ઘરે લોકો લીંપણ કળા, ભરત ગૂંથણ, ભીંતચિત્રો, વાંસકામ અને ભાતીગળ ચિત્રો બનાવવામાં માહેર હોય છે. આ કળાના સુંદર પ્રદર્શન થકી મોરબી જિલ્લા માહિતી કચેરીએ તેના મહત્તમ પ્રચાર પ્રસારની એક અનોખી પહેલ કરી છે. ખાસ કરીને ગણપતિ, રાસ ગરબા, મહાદેવ, પાર્વતી, શુભ લાભ, સ્વસ્તિક અને વિવિધ પ્રકારના ધાર્મિક ચિહ્નોની સાથે લીંપણ આર્ટ રજૂ કરવામાં આવે છે. આ લીંપણ આર્ટ મૂળ કચ્છના વતની અને અત્રેની કચેરીના માહિતી મદદનીશ શ્રી બી.એન.જાડેજા દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા.
આ સંપૂર્ણ આયોજન બદલ અત્રેની કચેરીના માહિતી મદદનીશ સુશ્રી જે.કે.મહેતા, માહિતી મદદનીશ શ્રી બી.એન.જાડેજા, સેવક શ્રી કિશોરપરી ગોસ્વામી અને શ્રી અજય મુછડીયાએ સહયોગ આપ્યો હતો અને સમગ્ર જિલ્લા સેવા સદનમાં આપણા મહાન સાંસ્કૃતિક પર્વની અનોખી અને સુંદર ઝાંખી રજૂ કરી હતી. આવા સુંદર આયોજન બદલ સમગ્ર સેવા સદનના કર્મયોગીઓએ જિલ્લા માહિતી અધિકારી સુશ્રી પારૂલબેન આડેસરાની સરાહના કરી હતી.









