AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં નડગખાદી-હનવતચોંડ માર્ગમાં રાત્રિ દરમિયાન કદાવર દીપડાનાં આંટાફેરા:-ગ્રામજનોમાં ભયનો માહોલ..

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

ગુજરાત વિધાનસભાનાં નાયબ મુખ્ય દંડક અને સ્થાનિક ધારાસભ્ય વિજય પટેલનાં હનવતચોંડ ગામ અને નડગખાદીને જોડતા માર્ગ પર રાત્રિ દરમિયાન એક કદાવર દીપડો લટાર મારતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ છવાયો છે.ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં આવેલા આ બંને ગામો વચ્ચેના મુખ્ય માર્ગ પર દીપડાના આંટાફેરાથી સ્થાનિક ગ્રામજનોમાં દહેશત વ્યાપી ગઈ છે. આ ઘટનાનો વીડિયો ગામના યુવાને પોતાના મોબાઈલમાં કેદ કરીને વાયરલ કર્યો હતો.વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે રાત્રિના સમયે દીપડો કોઈપણ જાતના ડર વિના જાહેર રસ્તા પર શાંતિથી ચાલી રહ્યો છે.આ દ્રશ્ય સ્થાનિકો માટે ચિંતાનો વિષય બન્યું છે, કારણ કે આ રસ્તો બંને ગામોના લોકો માટે અવરજવરનો મુખ્ય માર્ગ છે.રાત્રિના સમયે ખેડૂતો, મજૂરો અને અન્ય ગ્રામજનો આ રસ્તાનો ઉપયોગ કરતા હોય છે.હવે દીપડાના આવા ખુલ્લેઆમ આંટાફેરાથી લોકો રાત્રે ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે, જેના કારણે દૈનિક પ્રવૃત્તિઓ પર પણ અસર પડી રહી છે. આવા કિસ્સાઓમાં ઘણીવાર માનવ-વન્યજીવ સંઘર્ષની ઘટનાઓ બને છે, જેમાં ક્યારેક માનવજીવનને પણ જોખમ ઊભું થાય છે.આ ઘટના પણ તે જ દિશામાં ઇશારો કરે છે.હનવતચોંડ અને નડગખાદી જેવા ગામોમાં દીપડાની હાજરી કોઈ નવી વાત નથી, પરંતુ જાહેર રસ્તા પર આ રીતે દીપડો ફરતો જોવા મળવો એ ગંભીર બાબત છે.સ્થાનિકો જણાવી રહ્યા છે કે અગાઉ પણ આવા દીપડા દેખાયા છે. ત્યારે વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવાની અથવા તેને સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે તે જરૂરી બન્યુ છે..

Back to top button
error: Content is protected !!