SBI અને PNB સાથે તમામ પ્રકારની લેવડદેવડ પર રોક લગાવતી કર્ણાટક સરકાર
કર્ણાટક સરકારે ભારતીય સ્ટેટ બૅંક (SBI) અને પંજાબ નેશનલ બૅંક (PNB) સાથેની તમામ પ્રકારની લેવડદેવડ પર પ્રતિબંધ લગાવવાનો આદેશ જાહેર કરતાં ભારે ખળભળાટ મચ્યો છે. આ આદેશ હેઠળ વિભાગોને આ બન્ને બૅંકોમાં એકાઉન્ટ બંધ કરવા અને તેમાં જમા કરેલી રકમ ઉપાડવા માટે પણ સૂચના આપવામાં આવી છે.
સરકારના આદેશ મુજબ, આ બન્ને બૅંકોમાં કોઈપણ રકમ જમા કરવામાં નહીં આવે અને રોકાણ પણ કરવામાં નહીં આવે. ઉલ્લેખનીય છે કે, આ બન્ને બૅંકોમાં જમા સરકારી નાણાંનો દુરુપયોગ થયાનો આરોપ લાગ્યા બાદ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા (CM Siddaramaiah) સરકારના નાણાં વિભાગના સચિવ જાફરે આ આદેશ જાહેર કર્યો છે. સરકાર દ્વારા કડક શબ્દોમાં કહેવાયું છે કે, કથિત દુરુપયોગ અંગે એસબીઆઇ અને પીએનબીને ઘણી વખત ચેતવણી આપવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે સરકારે આ નિર્ણય લેવો પડ્યો છે.
આદેશ મુજબ રાજ્ય સરકારના તમામ વિભાગો, જાહેર સાહસો, તમામ કૉર્પોરેશનો અને સ્થાનિક સંસ્થાઓ, યુનિવર્સિટીઓ અને અન્ય સંસ્થાઓ એસબીઆઇ અને પીએનબીના ખાતા બંધ કરી તમામ નાણાં પરત કરે. કર્ણાટકમાં સરકારી વિભાગોના મોટાભાગના એકાઉન્ટ આ બે બૅંકોમાં ચલાવવામાં આવે છે. રાજ્ય સરકારે આ બન્ને બૅંકોમાં જમા રકમના દુરુપયોગનો ગંભીર આક્ષેપ કર્યા બાદ તાત્કાલિક અસરથી આ નિર્ણય લીધો છે અને કહ્યું છે કે, રાજ્યના સરકારી વિભાગો બન્ને બૅંકોમાં નાણાં જમા ન કરે અને કોઈપણ પ્રકારની લેવડ-દેવડ ન કરે.
ઉલ્લેખનીય છે કે, સરકારી વિભાગોના મોટાભાગના નાણાંકીય વ્યવહારો આ બન્ને બૅંકોમાં થાય છે. વાસ્તવમાં એસબીઆઇ દેશની સૌથી મોટી સરકારી બૅંક છે અને તેનું માર્કેટ કેપિટલાઇઝેશન 7.17 લાખ કરોડ રૂપિયા છે. જ્યારે પંજાબ નેશનલ બૅંક દેશની બીજી સૌથી મોટી સરકારી બૅંક છે અને તેની માર્કેટ વેલ્યુ 1.25 લાખ કરોડ રૂપિયા છે.