Rajkot: રાજકોટ જિલ્લાના ધવલ પાનસુરીયાએ પ્રાકૃતિક ખેતી દ્વારા ઘઉંની વૈદિક કાળની જાતો સોનામોતી અને ચાવલકાઠીનું ઉત્પાદન કર્યું

તા.૨૫/૬/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
આલેખન- ડો. દિવ્યા ત્રિવેદી
ઘઉંની સોનામોતી અને ચાવલકાઠી જાતો ગ્લુટન ફ્રી, ફાઇબરથી ભરપૂર
પ્રાકૃતિક ખેતી સાથે આદિકાળની આ પાકજાતો મેદસ્વિતા નિવારણમાં મદદરૂપ, ડાયાબિટીસના દર્દીઓ માટે ઉપયોગી – ધવલભાઈ પાનસુરીયા
Rajkot: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન અંતર્ગત પ્રાકૃતિક ખેતી ઝુંબેશ દ્વારા સમગ્ર રાજ્યના ખેડૂતોને ઝેરમુક્ત ખેતી કરવા માટે વિશિષ્ટ તાલીમ આપવામાં આવી રહી છે.ત્યારે રાજયપાલશ્રીના પુસ્તકથી પ્રાકૃતિક ખેતીની પ્રેરણા મેળવનાર રાજકોટ જિલ્લાના મેંગણી ગામના ધવલભાઈ પાનસુરીયાએ પ્રાકૃતિક ખેતી દ્વારા વૈદિક કાળની ઘઉંની બે જાતોને ઉત્પાદિત કરવામાં સફળતા મેળવી છે.
ધવલભાઇ પાનસુરીયા પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા છે, જેમાં વિવિધ પ્રયોગો સાથે તે ઘઉં, મસાલાઓ, ચણા વગેરે પાકનું ઉત્પાદન કરે છે. સામાન્ય રીતે પરંપરાગત ખેતીને આગળ વધારતા ખેડૂતોમાં ઘઉંની ટુકડા જાતનું વાવેતર પ્રચલિત છે ત્યારે એગ્રીકલ્ચર વિષયમાં જ પ્લાન્ટ પેથોલોજીમાં માસ્ટરનો અભ્યાસ કરેલા ધવલભાઇએ અનેરી સુઝ સાથે ઘઉંની વૈદિક કાળ સમયની ચાવલકાઠી અને સોનામોતી જાતોનું સફળ ઉત્પાદન કર્યું છે.
આ વિશે ધવલભાઇએ કહ્યું હતું કે, વર્તમાન સમયમાં મેદસ્વિતાના વધતા પ્રમાણ સામે લોકોને અનેક શારીરિક તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. સામાન્યતઃ પરિવારોમાં ઘઉંનો ઉપયોગ રોજબરોજના જીવનમાં થાય છે પરંતુ આ મેદસ્વિતા માટે ઘઉંમાંથી ઉત્પાદિત થતા મેંદાનું પ્રમાણ પણ કારણભૂત છે. ઘઉંની અનેક જાતોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરતા આ વૈદિક સમયની ઘઉંની જાતો ચાવલકાઠી અને સોનામોતી અન્ય ઘઉંની સરેરાશમાં અલગ તરી આવી… ચાવલકાઠી ઘઉંમાં ફાઇબરનું પ્રમાણ પુષ્કળ હોવાથી અન્ય ઘઉંની સાપેક્ષ આ ઘઉંનું ધીમે પાચન થાય છે. ઓછા પ્રમાણમાં લેવાથી પણ લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. જેથી વધારાની કાર્બ અને ફેટનું નિર્માણ થતું નથી. તો વળી સોનામોતી જાતના ઘઉં સૌથી ઓછો મેંદો ધરાવતા, ગ્લુટન ફ્રી, સુગર ફ્રી પ્રકારના ઘઉં છે જે વર્તમાનમાં થતી ડાયાબિટીસની તકલીફોમાં પણ ખોરાકમાં લઈ શકાય છે. આ બંને જાત ભારતના ખૂબ જુના સમયની જાતો છે જે મિલેટસ સાથે સામ્યતા ધરાવે છે. જેમ મિલેટસ શરીર માટે લાભકારી છે તેવી જ રીતે ઘઉંની આ બંને જાતો પણ રોજબરોજ આહારમાં લેવામાં લાભકારી છે.
ધવલભાઇએ આ બંને જાતોના ઉત્પાદનમાં ગાયનું છાણ, પ્રાકૃતિક વસ્તુઓનું બેક્ટેરિયા કલ્ચર અને જીવામૃતનો ઉપયોગ કર્યો હતો. ધવલભાઇ આ ઘઉંની જાતોનુ પોતાની સુદર્શન ઓર્ગેનિક ફાર્મ બ્રાન્ડ દ્વારા વેચાણ પણ કરે છે. ગત વર્ષે આ ઘઉંની જાતોના સફળ ઉત્પાદન બાદ આ વર્ષે પણ હાલમાં આ બંને જાતોનું ૧૫ વીઘાથી વધુના વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યું છે.
ધવલભાઇએ કહ્યું હતું કે, “આહાર એ માણસની પ્રકૃતિનું મૂળ છે ત્યારે પ્રાકૃતિક ખેતી સાથે આદિકાળની આ પાક જાતો મેદસ્વિતા નિવારણમાં મદદરૂપ, ડાયાબિટીસના દર્દીઓ માટે ઉપયોગી છે. વર્તમાનમાં મેદસ્વિતાને કારણે થતી અનેક શારીરિક સમસ્યાઓના નિવારણમાં આ પરંપરાગત પાકો સહાયભૂત થાય છે જે વિશે ખેડૂતોએ પણ જાણકારી મેળવી તેવા પાકોનું ઉત્પાદન કરવું જોઈએ.” આ સાથે તેમણે લોકોને પોતાના આહારમાં પ્રાકૃતિક ઉત્પાદનોનો ઉપયોગ કરી મેદસ્વિતા મુકત અને સ્વસ્થ રહેવા અનુરોધ કર્યો હતો.






