મંદિરના પૈસા સરકારી નથી, ફક્ત દેવતાનો અધિકાર..:મદ્રાસ હાઇકોર્ટે
મદ્રાસ હાઇકોર્ટે તમિલનાડુ સરકારને ઝટકો આપ્યો છે. કોર્ટે કહ્યું કે ભક્તો દ્વારા મંદિરમાં આપવામાં આવેલા દાનના પૈસા પર ફક્ત દેવતાઓનો હક છે. આવી સ્થિતિમાં તેનો ઉપયોગ ફક્ત મંદિરના કોઈ કાર્ય માટે અથવા તો ધાર્મિક અને ધર્માર્થે કરવો જોઈએ. આ નિર્ણયની સાથે હાઇકોર્ટે 2023થી 2025 વચ્ચે રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા 5 આદેશોને પણ રદ કર્યા છે, જેમાં મંદિરના ભંડોળનો ઉપયોગ કરીને લગ્ન હોલ બનાવવાનું કહેવામાં આવ્યું હતું.
મંદિરની મિલકત અને ભંડોળને સરકાર દ્વારા વ્યાવસાયિક રીતે ઉપયોગ સામે દાખલ કરવામાં આવેલી અરજીમાં અરજદારે દાવો કર્યો હતો કે, સરકારને મંદિરના ભંડોળનો ઉપયોગ કરવાનો કોઈ અધિકાર નથી. અરજદારે દલીલ કરી હતી કે, સરકાર મંદિરના નાણાંથી જે લગ્ન હોલ બનાવવા માંગે છે તેનો કોઈ ધાર્મિક હેતુ નથી, કારણ કે તે ભાડા પર આપવામાં આવી રહ્યા છે.
આ અઠવાડિયે મદ્રાસ હાઇકોર્ટની મદુરાઈ બેન્ચના ન્યાયાધીશ એસ. એમ. સુબ્રમણ્યમ અને ન્યાયાધીશ જી. અરુલ મુરુગનની બેન્ચે આ આદેશ આપ્યો હતો. બેન્ચે કહ્યું કે, તમિલનાડુ સરકાર મંદિરના સંસાધનોનો ઉપયોગ માત્ર મંદિરોના જાળવણી અને વિકાસ અને તેની સાથે સંબંધિત ધાર્મિક પ્રવૃત્તિઓ માટે કરવા માટે બંધાયેલી છે. તેનો વ્યાવસાયિક રીતે ઉપયોગ કરી શકાતો નથી.
રાજ્ય સરકાર તરફથી હાજર રહેલા વકીલ વીરા કથીરાવનએ દલીલ કરી હતી કે, મંદિરના ભંડોળનો ઉપયોગ સમાજ માટે થઈ રહ્યો છે. જે ઇમારતો બનાવવામાં આવી છે તેમાં ધાર્મિક રિવાજો અનુસાર કરવામાં આવતા હિન્દુ લગ્નોને જ મંજૂરી આપવામાં આવશે. રાજ્યએ કોર્ટને વધુમાં જણાવ્યું હતું કે, હજુ સુધી તેના માટે કોઈ પૈસા આપવામાં આવ્યા નથી અને તમામ પ્રસ્તાવિત નિર્માણકાર્ય કાર્ય માટે જરૂરી મંજૂરીઓ મેળવવામાં આવશે. જોકે, હાઇકોર્ટે રાજ્યની આ દલીલને ઠુકરાવતાં કહ્યું કે, હિન્દુ લગ્નને એક સંસ્કાર માનવામાં આવે છે, પરંતુ હિન્દુ લગ્ન અધિનિયમ, 1955 હેઠળ તેમાં કરાર આધારિત તત્ત્વો પણ સામેલ છે. તેથી હિન્દુ વિવાહ HR&CE કાયદા હેઠળ આ ‘ધાર્મિક હેતુ’ નથી.
કોર્ટે, હિન્દુ ધાર્મિક અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ ઍક્ટ, 1959નો ઉલ્લેખ કરતાં કહ્યું કે, આ કાયદો મંદિરના ભંડોળને ફક્ત ધાર્મિક કાર્યો અથવા પૂજા, અન્નદાન, યાત્રાળુઓના કલ્યાણ અને ગરીબોને સહાય જેવા સહાયતા હેતુઓ માટે જ ખર્ચવાની મંજૂરી આપે છે, અને સરકારની આવકમાં વધારો કરતા કોઈપણ કાર્ય માટે નહીં.