MORBIMORBI CITY / TALUKO

MORBI મોરબી જિલ્લા પંચાયત ભવન  ખાતે પોષણ ઉત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું

MORBI મોરબી જિલ્લા પંચાયત ભવન  ખાતે પોષણ ઉત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું

 

 

માતા યશોદા એવોર્ડ વિતરણ, પૌષ્ટિક વાનગી સ્પર્ધા, ઈનામ વિતરણ, અભિનય ગીત વગેરે પ્રવૃતિઓ સાથે સમગ્ર કાર્યક્રમ રંગમય બન્યો

વિવિધ સ્પર્ધાના વિજેતાઓનું મંચસ્થ મહેમાનોના હસ્તે પ્રમાણપત્ર આપીને બહુમાન કરાયું

રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને આઇ.સી.ડી.એસ. શાખા જિલ્લા પંચાયત મોરબી દ્વારા જિલ્લા પંચાયત ભવન મોરબી ખાતે પોષણ ઉત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પૌષ્ટિક વાનગી સ્પર્ધા, માતા યશોદા એવોર્ડ વિતરણ, ઈનામ વિતરણ, અભિનય ગીત વગેરે પ્રવૃતિઓ સાથે સમગ્ર કાર્યક્રમ રંગમય બન્યો હતો.

કાર્યક્રમના અધ્યક્ષશ્રી અને જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હંસાબેન પારેઘીએ જણાવ્યું હતું કે, ધાત્રી માતાઓ, સગર્ભા માતાઓ, કિશોરીઓને આંગણવાડીમાંથી ટેક હોમ રાશન કીટ આપવામાં આવે છે. તેનું લાભાર્થીઓ નિયમિત સેવન કરે તે જોવાની જવાબદારી આપણી છે. આજના આધુનિક સમયમાં બહારના રંગીન અવનવા સ્વાદવાળા પડીકા ખાવાનું ચલણ ખૂબ જ વધી ગયું છે. ત્યારે બાળકો અને માતાઓમાં યોગ્ય પોષણ સ્તર જળવાય રહે અને તેમનું સ્વાસ્થ્ય સારું બની રહે તે માટે શ્રી ધાન્ય/ મિલેટસની જ વાનગીઓ ઉપર ભાર મૂકવો જરૂરી જણાય છે.

Oplus_131072

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી જયેશ એસ.પ્રજાપતિએ જણાવ્યું હતું કે, આપણા ગ્રામ્ય વિસ્તારોમાં સગર્ભા માતાઓ દર અઠવાડિયે મંદિર કે કોઈ સંસ્થામાં ભેગા થાય તેવું આયોજન કરવું જોઈએ. જેમાં તેમને મિલેટસમાંથી બનાવેલ સુખડી, શીરો વગેરે આરોગ્યપ્રદ ખોરાક આપવામાં આવે તેવી નવતર પહેલ કરવી જોઈએ. બાળકો એ દેશનું ભવિષ્ય છે. તેમના ઉછેરની જવાબદારી માત્ર માતા પિતાની જ નથી, પરંતુ સમગ્ર સમાજની રહેલી છે. આપની સંસ્કૃતિમાં વ્યક્તિગત નહીં પરંતુ સહિયારા વિકાસની વાત કરવામાં આવી છે.

આ ઉપરાંત ૫ તાલુકા દીઠ આંગણવાડી વર્કરો દ્વારા ટેક હોમ રાશન/ ટી.એચ.આર. માંથી અને શ્રી ધાન્ય/ મિલેટસ માંથી મન્ચુરિયન, ચોકોલેટ કેક, રસગુલ્લા, પાણીપુરી, થેપલા, સુખડી, રોટલા, ઢોકળા આમ વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી અને આ વાનગીઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું.જે પૈકી પ્રથમ, દ્વિતિય અને તૃત્તિય ક્રમાંક મેળવનાર વાનગી સ્પર્ધાના વિજેતા બહેનોને મંચસ્થ મહેમનોના હસ્તે પ્રમાણપત્ર આપીને તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું. તેમજ આ સમગ્ર કાર્યક્રમના સંચાલનમાં ભાગ લીધેલ તમામ કર્મચારીશ્રીઓ, સ્પર્ધાના નિર્ણાયકો અને ભૂલકાઓને પ્રોત્સાહન સ્વરૂપે ભેટ અને પ્રમાણપત્ર અર્પણ કરાયા હતા. તેમજ વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડીના બહેનોને ૧ થી ૩ ક્રમાંક અનુસાર માતા યશોદા એવોર્ડ, પ્રમાણપત્ર અને પુરસ્કાર સ્વરૂપે અનુક્રમે રૂ.૪૧,૦૦૦ અને રૂ.૨૧,૦૦૦ રકમના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. અત્રે વિજેતા બનેલા બહેનો રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે આગળ જશે.કાર્યક્રમની શરૂઆત મંચસ્થ મહેમાનોના હસ્તે દીપપ્રાગટ્ય કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી. ઉપસ્થિત સર્વેનું શાબ્દિક સ્વાગત આઈ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસર શ્રી મયુરીબેન ઉપાધ્યાય દ્વારા કરાયું હતું. કાર્યક્રમના અંતે આભારવિધિ વાંકાનેરના સી.ડી.પી.ઓ. શ્રી ડો. વૈશાલીબેને કરી હતી. તેમજ આંગણવાડીના ભૂલકાં અને બહેનો દ્વારા અભિનય નૃત્ય અને અભિનય ગીતની સુંદર રજૂઆત કરવામાં આવી હતી.

ઉક્ત કાર્યક્રમનું સમગ્ર સંચાલન આઈ.સી.ડી.એસ. શાખામાંથી જિલ્લા પી.એચ.સી. શ્રી રમેશભાઈ ધોરીયાએ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લા પંચાયતની આઈ.સી.ડી.એસ. શાખામાંથી કર્મચારીઓએ તૈયાર કરેલ બાળવાર્તા અને બાળગીતને રાજ્ય કક્ષાએ પુરસ્કૃત કરવામાં આવેલ છે.ઉક્ત કાર્યક્રમમાં કારોબારી સમિતિના ચેરમેનશ્રી પ્રવીણભાઈ સોનાગરા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રીમતી કમળાબેન ચાવડા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભટ્ટ, વિવિધ ઘટકના સી.ડી.પી.ઓ. શ્રીઓ, મુખ્ય સેવિકા બહેનો, હેલ્પર બહેનો, આંગણવાડીના સ્ટાફ બહેનો, આઇ.સી. ડી.એસ. શાખાના તમામ કર્મચારીગણ, વાલીઓ, લાભાર્થીઓ અને બહોળી સંખ્યામાં આંગણવાડીના બાળકો હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!