MORBI:મોરબી જમીન વિવાદમાં વૃદ્ધ પર હિંસક હુમલો, ઉમા ટાઉનશીપ પાસે જાનથી મારી નાખવાની ધમકી




MORBI:મોરબી જમીન વિવાદમાં વૃદ્ધ પર હિંસક હુમલો, ઉમા ટાઉનશીપ પાસે જાનથી મારી નાખવાની ધમકી

મોરબી: શહેરના સામાકાંઠે આવેલ ઉમા ટાઉનશીપ વિસ્તારમાં જમીન બાબતના જૂના મનદુઃખમાં એક વૃદ્ધ પર અણીદાર હથિયાર વડે હુમલો કરી, ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, મૂળ ત્રાજપર ગામના વતની અને હાલ ઉમા ટાઉનશીપના વિરાટ બ્લોકમાં રહેતા શામજીભાઈ ગોવિંદભાઈ રાણીપા (ઉ.વ. ૬૫) ને આરોપીઓ નટુભાઈ શામજીભાઈ કડીવાર તથા હિંમતસિંહ ભાણજીભાઈ સોલંકી સાથે લાંબા સમયથી જમીન બાબતે વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદ સંદર્ભે સમાધાન કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું, પરંતુ ફરિયાદી શામજીભાઈએ સમાધાન કરવાનો ઇનકાર કર્યો હતો.
આ અદાવત રાખીને, જ્યારે ફરિયાદી ઉમા ટાઉનશીપ પાસેના ફુવારા સર્કલ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે બંને આરોપીઓએ તેમને આંતરીને અણીદાર હથિયાર વડે હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન આરોપીઓએ ફરિયાદીને બિભત્સ ગાળો આપી હતી અને ધમકી આપી હતી કે, “જો જમીન બાબતે સમાધાન નહીં કરે તો તને અને તારા પરિવારને જાનથી મારી નાખીશું.”આ ઘટના અંગે શામજીભાઈએ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. હાલ પોલીસે હુમલાખોરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.




