Rajkot: કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઇ

તા.૧૦/૭/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
રાજકોટ જિલ્લાના ગામોમાં પાણી પુરવઠા યોજના સંબંધિત રૂ. ૬૧ લાખથી વધુના ખર્ચે વિવિધ કામોને અપાયેલી બહાલી
Rajkot: રાજકોટ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરશ્રી ડો. ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ (વાસ્મો)ની બેઠક યોજાઈ હતી. જેમાં કલેક્ટરશ્રીએ વાસ્મો દ્વારા ચાલી રહેલા વિવિધ કાર્યોની માહિતી મેળવીને સમીક્ષા કરી હતી તેમજ જરૂરી સૂચનો આપ્યા હતા.
આ બેઠકમાં રાજકોટ જિલ્લાના તાલુકાઓના વિવિધ ગામોમાં હયાત બોર પર પમ્પિંગ મશીનરી સપ્લાય કરવાની કામગીરી, ભૂગર્ભ સંપ બનાવવાની કામગીરી તેમજ ગત બેઠકોમાં ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાના અન્ય વિવિધ પ્રસ્તાવિત રૂ. ૬૧.૫૬ લાખના ખર્ચે થનાર ૧૫ કામોને સમિતિ દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. ઉપરાંત, અન્ય વિભાગોની પાણીને લગત યોજનાઓના કામોને મળેલ સૈધ્ધાંતિક મંજુરીના પ્રગતિના કામો અંગે કલેકટરશ્રીએ જરૂરી સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ, ડી.આર.ડી.એ.ના નિયામક શ્રી એ.કે.વસ્તાણી, પ્રાંત અધિકારી શ્રી ચાંદની પરમાર અને શ્રી વિમલ ચક્રવર્તી, પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી અંકિત ગોહેલ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ- કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




