WAKANER: વિકાસની વાતો વચ્ચે વાંકાનેરના વાલાસણ ગામમાં મૂળભૂત સુવિધાનો અભાવ: પંચાયત ઘર વગરની ‘સમરસ’ ગ્રામ પંચાયત!

WAKANER:વિકાસની વાતો વચ્ચે વાંકાનેરના વાલાસણ ગામમાં મૂળભૂત સુવિધાનો અભાવ: પંચાયત ઘર વગરની ‘સમરસ’ ગ્રામ પંચાયત!
રીપોર્ટ આરીફ દિવાન :વાંકાનેર તાલુકાના વાલાસણ ગામમાં વિકાસના મોટા-મોટા દાવાઓ વચ્ચે એક ચોંકાવનારી હકીકત સામે આવી છે. આશ્ચર્યની વાત એ છે કે, જે ગામ ‘સમરસ ગ્રામ પંચાયત’ તરીકે ઓળખાય છે, ત્યાં આજદિન સુધી પંચાયત ઘરનું નિર્માણ જ થયું નથી. પંચાયત ભવનના અભાવે સ્થાનિક સ્વરાજ્યની રોજિંદી કામગીરી પર માઠી અસર પડી રહી છે.
સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષો સત્તા મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, પરંતુ વાલાસણ ગામની વાસ્તવિક સ્થિતિ કંઈક અલગ જ ચિત્ર રજૂ કરે છે. ગામના સરપંચ અને સભ્યોએ વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ અને ભાજપ બંનેના શાસનકાળ દરમિયાન અનેક વચનો આપવામાં આવ્યા, પરંતુ પંચાયત ઘરનું સપનું હજુ સુધી સાકાર થયું નથી.
છેલ્લા દસ વર્ષથી આ ગંભીર સમસ્યા યથાવત છે, જેને કારણે ગ્રામજનોમાં ભારે નિરાશા અને રોષ વ્યાપ્યો છે. સમરસ ગામ જાહેર થયા બાદ ગ્રામજનોને આશા હતી કે ગામનો સર્વાંગી વિકાસ થશે, પરંતુ પંચાયત ઘર જેવી પ્રાથમિક સુવિધા ન હોવાને કારણે વહીવટી તંત્રની કામગીરીમાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે.હાલમાં ગ્રામજનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ સરકાર સમક્ષ પંચાયત ઘર માટે સત્વરે યોગ્ય કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરી છે. હવે જોવાનું એ રહે છે કે સરકાર આ બાબતને કેટલી ગંભીરતાથી લે છે અને વાલાસણ ગામના લોકોને આ મૂળભૂત સુવિધા ક્યારે પ્રાપ્ત થાય છે.










