GUJARATKUTCHMUNDRA

આંબેડકર ઓપન યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં મુન્દ્રાની 2 દીકરીને ગોલ્ડ મેડલ : કચ્છના 8 ચંદ્રકોમાંથી મુન્દ્રાને ભાગે 4 ચંદ્રકો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી- મુન્દ્રા કચ્છ.

મુન્દ્રા,રતાડીયા, તા. 18 : ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની 134મી જન્મજયંતીના પાવન દિવસે આંબેડકર ઓપન યુનિવર્સિટીના દસમા પદવીદાન સમારોહમાં વિવિધ અભ્યાસક્રમોમાં સફળતાપૂર્વક ઉડતીન થવા બદલ 18108 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. જેમાંથી ગુજરાતમાં પ્રથમ અને બીજો નંબર મેળવનાર 40 વિદ્યાર્થીઓને અનુક્રમે ગોલ્ડ અને સિલ્વર મેડલ અમદાવાદ ખાતે યોજાયેલ પદવિદાન કાર્યક્રમમાં મહાનુભવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.

કચ્છના ત્રણ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તથા પાંચ વિદ્યાર્થીઓને સિલ્વર મેડલ અને ત્રીજો નંબર પ્રાપ્ત કરનાર પાંચ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એમ કુલ 13 વિદ્યાર્થીઓને નવાજવામાં આવ્યા હતા. જે કચ્છ માટે પ્રથમ વખત ગૌરવભરી ઘટના છે. એમાંય આઠમાંથી અડધા એટલે કે ચાર મેડલ (2 ગોલ્ડ, 2 સિલ્વર) અને 1 પ્રમાણપત્ર મુન્દ્રાના ભાગે આવેલ છે જે મુન્દ્રા કેન્દ્ર માટે ગૌરવરૂપ ઘટના કહી શકાય. તેમાંય પાંચમાંથી પાંચ દીકરીઓ નંબર લઈ અને મહિલા સશક્તિકરણ અભિયાનને સાર્થક કરેલ છે.

પ્રમુખસ્થાનેથી આર્શીવચન આપતા યુનિવર્સિટીના કુલાધિપતિ (હોદ્દાનીરૂએ) અને ગુજરાતના માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે નેતાઓ ભાષણ કરતા હોય છે જ્યારે આજના દીક્ષાંત સમારોહમાં જ્ઞાનરૂપી પ્રવચન કરીને વક્તાઓએ કાર્યક્રમને સત્સંગ સભામાં ફેરવી દીધી હોય એવું લાગે છે. એમણે ગુજરાતના શિક્ષણ વિભાગમાં સંતોરૂપી બે શિક્ષણમંત્રીઓ આપવા બદલ પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

ગુજરાતની એકમાત્ર ઓપન યુનિવર્સિટીને વિવિધ ક્ષેત્રે સિદ્ધિઓ મેળવીને પરિવાર ભાવનાથી વિશ્વકક્ષાએ નામના અપાવનાર ઉપકુલપતિ (વી.સી.) ડો.અમીબેન ઉપાધ્યાય અને એમની ટીમને અભિનંદન આપ્યા હતા.

પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ, એમના માતા-પિતા અને ગુરુજનોને પણ અભિનંદન આપતા જવાબદાર નાગરિક બનવાની સલાહ આપતા ભારતીય દર્શન મુજબ ધર્મ, અર્થ અને કામ કરતા મોક્ષ પ્રાપ્ત કરવું એ જ વિદ્યાનો મુખ્ય ઉદ્દેશ હોઈ શકે એમ જણાવ્યું હતું.

દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત કર્યા બાદ સ્વાગત પ્રવચન કરતા યુનિવર્સિટીના ઉપકુલપતિ પ્રો. ડો.અમીબેન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે યોગાનુયોગ આજે ડોકટર બાબાસાહેબ આંબેડકરની 134મી જન્મજયંતી છે બીજું આજે વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ પૂર્ણ કરી પદવી મેળવશે ત્રીજું ડો.આંબેડકરનું સમગ્ર જીવન સમરસતાને સમર્પિત હતું ત્યારે આ વર્ષથી જ યુનિવર્સિટી સમરસતા એવોર્ડની શરૂઆત કરી રહી છે ત્યારે ત્રિવેણી સંગમના કાર્યક્રમમાં પધારેલ મહાનુભવોનું હાર્દિક સ્વાગત કર્યું હતું.

દિલ્હીથી પધારેલ અતિથિ વિશેષ અને વિશ્વ વિદ્યાલય અનુદાન આયોગના પૂર્વ ચેરમેન પ્રો. એમ. જગદીશકુમારે અંગ્રેજીમાં ઉદબોદન કરતા નચિકેતા અને ભગીરથને યાદ કરીને સારા શ્રોતા બનવાની શીખ આપતા સફળતાનું શિખર સર કરનાર વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા.

સમારંભના મુખ્ય અતિથિ કેબિનેટકક્ષાના આરોગ્ય અને શિક્ષણમંત્રી ઋષિકેશભાઇ પટેલે જયશ્રી કૃષ્ણથી શરૂઆત કરતા ડિગ્રી મેળવીને નવી ઇનિંગની શરૂઆત કરવા જઈ રહેલા વિદ્યાર્થીઓ, એમના વાલીઓ અને વ્હાલા ભૂલકાઓને સંબોધીને માહિતી અને જ્ઞાન વચ્ચેની સૂક્ષ્મ ભેદરેખા અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે ટેકનોલોજીના યુગમાં મેળવેલ માહિતીને જ્ઞાનમાં કન્વર્ટ કરી રોજગારીની સાથે સમાજ સેવા કરવાની સલાહ આપી હતી. વિદ્યાર્થીઓએ ટેકનોલોજીની મદદથી ઓલ રાઉન્ડર દેખાવ કરીને 2047 સુધીમાં યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત રાષ્ટ્ર્રના સ્વપ્નને સાકાર કરી ભારતને વિશ્વબંધુ બનાવવામાં મદદરૂપ થવાની વાત કરી હતી.

રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરીયાએ ઉચ્ચ શિક્ષણ મેળવીને પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને જ્ઞાનરૂપી પ્રકાશ દ્વારા સમાજમાં રહેલા અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવાની સલાહ આપી હતી. ગીતામાં અનેક વખત અર્જુનને જ્ઞાની બનવાની સલાહ આપનાર ભગવાન શ્રીકૃષ્ણના ગીતાજ્ઞાનની સમજણ આપતા ટોળાશાહી યુદ્ધને બદલે સમાજમાં પ્રવેશેલ અંધશ્રદ્ધા, અજ્ઞાનતા અને ગરીબીને દૂર કરવા દેશના નાનામાં નાના માણસ સુધી શિક્ષણ, આરોગ્ય અને નાંણાકીય યોજનાઓથી માહિતગાર કરીને ન્યાય અપાવી ડો.આંબેડકરના સપનાને સાકર કરીને સાચા અર્થમાં અંજલી આપવાની વાત કરી હતી.

યુનિવર્સિટીના આઠ રિઝનલ સેન્ટરમાંથી પાલનપુર પ્રાદેશિક સેન્ટરને બેસ્ટ સેન્ટરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યું હતું.

સામાજિક સમરસતા, મહિલા સશક્તિકરણ અને સેવા કાર્યમાં અમુલ્ય યોગદાન આપવા બદલ શ્રીમતી પલ્લવી ગિરીશ ગુપ્તેને ‘ડો. બાબા સાહેબ આંબેડકર સમરસતા પુરસ્કાર’ અર્પણ કરવામાં આવેલ જેમાં 51000નો ચેક અને પ્રમાણપત્ર આપવામાં આવેલ.

ખેલો ઇન્ડિયા પારા ગેમ્સ મહિલા વિભાગ ટેબલ ટેનિસમાં સુવર્ણચંદ્રક મેળવવા બદલ ભાવિકા કુકડીયા, એક લાખની વિશેષ શિષ્યવૃત્તિ મેળવનાર કિંજલબેન ગણેશભાઈ પરમાર તથા શ્રવણ બાધીત હોવા છતાં પ્રથમ પ્રયત્ને બી.કોમ.ની ડિગ્રી મેળવનાર કેજોલ જીગરકુમાર સેલોટનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તૃત્તીય એ.આઈ.યુ. રાષ્ટ્રીય મહિલા વિદ્યાર્થી સંસદમાં કચ્છની ઇપ્શિતા મુખરજીની આગેવાની હેઠળ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરેલ યુનિવર્સિટીના વિદ્યાર્થીનીઓના ગ્રુપને પણ સન્માનિત કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ઇપ્શિતાની માતા મીરાબેન ઠક્કર ભુજના વતની છે જે પણ કચ્છ માટે એક ગૌરવપૂર્ણ ઘટના છે.

આભારવિધિ યુનિવર્સિટીના રજીસ્ટાર ડો.એ. કે. જાડેજાએ કરી હતી.

કચ્છમાંથી 130 જેટલા વિદ્યાર્થીઓને બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ભુજ કેન્દ્ર ખાતેથી અમદાવાદના કાર્યક્રમમાં લઈ જવામાં આવેલ અને કચ્છને આ વર્ષે પ્રથમ વખત સૌથી વધારે 8 મેડલ મળ્યાનું ભુજ પ્રાદેશિક કેન્દ્રના નિયામક અને આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. ધનરાજ દેવરાજ (નાનો દેરો) ગઢવીએ ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું. સમગ્ર આયોજનમાં મદદનીશ કેન્દ્ર નિયામક ડો.ઋષિ જોશી અને શિવાનીબેન ઉમરાણીયા તથા સંયોજક ડૉ.હર્ષદ નિર્મલ અને ક્લાર્ક દ્રષ્ટિબેન જોશી સહયોગી રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!