રાજ્યમાં ફરી ધમાકેદાર વરસાદનું એલર્ટ, જન્માષ્ટમી પર્વ પર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના
10 ઓગસ્ટ મોટા ભાગે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યો હતો. જેમાં સૌથી વધુ અસર વલસાડ અને દમણમાં થઈ. સવારના 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીમાં વલસાડ તાલુકામાં સૌથી વધુ 4.02 ઈંચ વરસાદ ખાબક્યો હતો. પારડીમાં 3.94 ઈંચ, ઉમરગામમાં 2.36 ઈંચ, વાપીમાં 2.01 ઈંચ, ચિખલીમાં 1.65 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ સિવાય જૂનાગઢ, નવસારી, સુરત, જામનગર, ખેડા, દાહોદ, ગીર સોમનાથ, તાપી, અમરેલીમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડ્યો હતો.
ગુજરાતમાં જૂન-જુલાઈમાં મેઘમહેર થઈ હતી, જોકે ઓગસ્ટ મહિનાની શરૂઆતથી મેઘરાજાએ વિરામ લીધો હતો. એવામાં વસલાડ સહિત દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે 11 ઓગસ્ટ પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
સારા વરસાદની રાહ જોઇ રહેલા લોકો માટે હવામાન વિભાગે રાહત આપતી આગાહી કરી છે.. આગાહી અનુસાર આ વર્ષે જન્માષ્ટમી પર મેઘરાજા તોફાની બેટિંગ કરશે.
લાંબો સમય રાહ જોવડાવ્યા બાદ રાજ્યમાં વરસાદના બીજા રાઉન્ડની શરૂઆત થઇ ચૂકી છે. આજે સવારથી જ નવસારી, વલસાડ, અમરેલી અને જુનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ જામેલો છે. સૌથી વધુ વરસાદ 4 ઇંચ વલસાડમાં નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી પર નજર કરીએ તો આગામી 24 કલાકમાં રાજ્યના છુટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે.
ભારે વરસાદની વાત કરીએ તો અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે 14 ઓગસ્ટ પછી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ આગાહી પ્રમાણે જોઇએ તો જન્માનષ્ટમી પર્વ પર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.
આ તરફ અંબાલાલ પટેલે પણ આગાહી કરતા ક્હ્યું છે કે 15 ઓગસ્ટથી આ મોન્સૂન બ્રેક પૂર્ણ થશે અને ફરી ચોમાસુ સક્રિય થશે.
હવામાન વિભાગની આવતીકાલની આાગાહી પર નજર કરીએ તો આવતીકાલે સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આજે અમદાવાદમાં પણ વરસાદની આગાહી છે. જો કે ભારે નહીં પરંતુ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઇ છે.
ઓગસ્ટ માસમાં રોજનો સરેરાશ વરસાદ 8.7 મીલીમીટર હોવો જોઇએ તેની સામે છેલ્લા 9 દિવસમાં કુલ મળીને 8.7 મીલીમીટર વરસાદ પડ્યો છે. અને ઓગસ્ટ મહિનાના વરસાદમાં અત્યાર સુધી 90 ટકાની ઘટ છે.