GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: પોલીસ કમિશનરશ્રીની અધ્યક્ષતામાં રોડ સેફટી કાઉન્સિલની બેઠક યોજાઈ

તા.૨૧/૪/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

લાઇસન્સ વિના વાહન ચલાવતા ટીનેજર્સના વાલી વિરુદ્ધ કાર્યવાહી કરવા અધિકારીઓને સૂચના આપતા પોલીસ કમિશનરશ્રી બ્રજેશ કુમાર ઝા

Rajkot: પોલીસ કમિશનરશ્રી બ્રજેશ કુમાર ઝાના અધ્યક્ષ સ્થાને રાજકોટ શહેર રોડ સેફટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. શહેરમાં ટ્રાફિક નિયમન સુચારુ બને અને વાહન અકસ્માતમાં ઘટાડો થાય તે માટે રોડ એન્જિનિયરિંગ, સાઈનેજીસ અને પબ્લિક અવેરનેસના કાર્યક્રમો અસરકારક રીતે આગળ વધારવા પોલીસ કમિશનરશ્રીએ સંબંધિત વિભાગના અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

બેઠકમાં ખાસ કરીને લાઇસન્સ વિના કોઈ ટીનેજર્સ વાહન ચલાવતા જોવા મળે તો તેમના વાલી વિરુદ્ધ કાર્યવાહી કરવા તેમજ હાઇવે પર હેલ્મેટ વગર વાહન ચલાવતા ચાલકો વિરુદ્ધ કામગીરી કરવા અધિકારીઓને સુચના અપાઈ હતી.

કમિશનરશ્રીએ શહેર ટ્રાફિક પોલીસ અને આર.ટી.ઓ. દ્વારા ટ્રાફિક ડ્રાઈવ અંતર્ગત કરવામાં આવેલા વિવિધ કેસ અને જનજાગૃતિ અભિયાનની કામગીરીને બિરદાવી આ કામગીરી વધુ અસરકારક રીતે કરવા અને વાહન ચાલકો વારંવાર નિયમોનું ઉલ્લંઘન ના કરે તેમજ ટ્રાફિક સેન્સ કેળવાય તે મુજબ કામગીરી કરવા નિર્દેશ આપ્યા હતા.

અધિક પોલીસ કમિશનરશ્રી મહેન્દ્ર બગડિયાએ હેવી હોર્ન સાથેનાં વાહન ચાલકો પર કાર્યવાહી, સીટબેલ્ટ બાબતે અવેરનેસ, રોડ પર અડચણરૂપ ટ્રાન્સફોર્મર દૂર કરવા, સાઈન બોર્ડ માર્કિંગ સહિતની બાબતો અંગે માર્ગદર્શન આપ્યું હતું.

રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ ડી.સી.પી શ્રી પૂજા યાદવે તેમજ વાહન વ્યવહાર અધિકારી શ્રી કેતન ખપેડે છેલ્લા ત્રણ માસમાં ટ્રાફિક ડ્રાઈવ અને માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત સરકારી કચેરી ખાતે હેલ્મેટ વિરોધી ઝુંબેશ, શાળા કોલેજ ખાતે લાઇસન્સ, શહેરના જુના વિસ્તારમાં દબાણ હટાવ, જુદી જુદી શાળા કોલેજમાં જનજગૃતિ સહિતના કાર્યક્રમોની વિગત પૂરી પાડી હતી.

બેઠકમાં મહાનગરપાલિકા, પી.જી.વી.સી.એલ., હાઇવે ઓથોરિટી સહિતના વિવિધ વિભાગ દ્વારા વિવિધ સ્તરે કરવમાં આવેલી કામગીરીની માહિતી પૂરી પડાઈ હતી.

આ તકે ડે. મ્યુનિસિપલ કમિશનરશ્રી મનીષ ગુરવાની, શ્રી જે.વી. શાહ, એ.સી.પી.શ્રી સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રી, પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!