Rajkot: વિદ્યાર્થી ઉત્કર્ષ યોજનાઓની શ્રેણી – ૦૬ શૈક્ષણિક યોજનાઓ અનેક, પરીક્ષા એક
તા.૧૫/૭/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
વિદ્યાર્થીઓને યોજનાકીય લાભ લેવાની સમાન તક પૂરી પાડતી ‘કોમન એન્ટ્રન્સ ટેસ્ટ
વર્ષ ૨૦૨૪-‘૨૫માં રાજકોટ ગ્રામ્યના ધો. ૦૫ના ૦૩ હજાર વિદ્યાર્થીઓ મેરીટ લિસ્ટમાં સ્થાન પામ્યા
આલેખન : માર્ગી મહેતા
rajkot: શિક્ષણ એ માત્ર પુસ્તકિયુ જ્ઞાન નથી, પણ જીવન ઘડતરની પ્રક્રિયા છે, જે બાળકના સર્વાંગી વિકાસને વેગ આપે છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે આ વાસ્તવિકતાને પારખીને બાળકો આર્થિક અવરોધ વિના શૈક્ષણિક કારકિર્દી ઘડી શકે, તે હેતુસર તેમને શિષ્યવૃત્તિઓ અને નિવાસી શાળાઓનો લાભ આપે છે. ‘શૈક્ષણિક યોજનાઓ અનેક, પરીક્ષા એક’ના મંત્ર સાથે વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે ‘સમાન પ્રવેશ પરીક્ષા’ (C.E.T. – કોમન એન્ટ્રન્સ ટેસ્ટ) યોજવામાં આવે છે, જે ધોરણ ૦૧થી ધોરણ ૦૫નો અભ્યાસ પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓને યોજનાકીય લાભ લેવાની સમાન તક પૂરી પાડે છે.
રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી દીક્ષિતભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ ‘સમાન પ્રવેશ પરીક્ષા’માં ઉત્તીર્ણ થઈને પોતાના ઉજ્જવળ ભવિષ્ય તરફ મહત્વપૂર્ણ પગલું ભરી રહ્યાં છે. નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ડો. અશોકભાઈ વાણવીએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-‘૨૪માં ૪૧૬૫ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતાં, જ્યારે શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-‘૨૫માં ૩૦૦૦ વિદ્યાર્થીઓ મેરીટ લિસ્ટમાં સ્થાન પામ્યા હતાં.
તેમણે ઉમેર્યું હતું કે, સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ ૦૧થી ધોરણ ૦૫નો અભ્યાસક્રમ પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓ ‘કોમન એન્ટ્રન્સ ટેસ્ટ’ આપવાની પાત્રતા ધરાવે છે. આ પરીક્ષાના મેરીટ લીસ્ટમાં આવેલા વિદ્યાર્થીઓ ધોરણ ૦૬ માટે જ્ઞાનશક્તિ નિવાસી શાળા, જ્ઞાનશક્તિ આદિવાસી નિવાસી શાળા, રક્ષાશક્તિ શાળા અને આદર્શ શાળામાં પ્રવેશ મેળવી શકે છે. તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજનાનો લાભ મેળવી શકે છે.
C.E.T.ના મેરીટમાં સમાવિષ્ટ વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ યોજનાઓ
૧. જ્ઞાનશક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ (સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના વિદ્યાર્થીઓ માટે)
૨. જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સીયલ સ્કૂલ (સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના વિદ્યાર્થીઓ માટે)
૩. રક્ષાશક્તિ સ્કૂલ (સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર શાળાઓના વિદ્યાર્થીઓ માટે)
૪. મોડેલ સ્કૂલ (સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર શાળાઓના વિદ્યાર્થીઓ માટે)
૫. મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના (સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર શાળાઓના વિદ્યાર્થીઓ માટે)