
વિજાપુર–લાડોલ રોડ પર એસટી બસ અને અલ્ટો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત
એક યુવકનું મોત, બેને ગંભીર ઇજાઓ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર–લાડોલ રોડ પર આઈટીઆઈ (ITI) નજીક શુક્રવારે એક કરુણ અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલી એસટી બસ અને અલ્ટો કાર વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં કારમાં સવાર એક યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
મળતી માહિતી મુજબ, વિજાપુર આઈટીઆઈ પાસે એસટી બસ અને અલ્ટો કાર વચ્ચે અચાનક ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે અલ્ટો કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર રોહિત ઠાકોર નામના યુવકને ગંભીર ઈજાઓ થવાથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ મળતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ અકસ્માત અંગે એસટી બસના ચાલક સામે બેદરકારીપૂર્વક વાહન ચલાવવાના આરોપસર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.



