“આપણી શાળા – આપણું તીર્થ, આપણું સ્વાભિમાન” – રાષ્ટ્રનિર્માણ માટેનું પ્રેરણાદાયી અભિયાન.
સારસ્વતમ્ સંચાલિત પી.એ.હાઇસ્કૂલ, નિરોણા મધ્યે પણ આ અભિયાનની હર્ષભેર ઉજવણી કરાઇ.

વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.
નખત્રાણા,તા-૦૧ સપ્ટેમ્બર : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના આહ્વાનથી “આપણી શાળા – આપણું સ્વાભિમાન” અભિયાન અંતર્ગત ૧ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ સારસ્વતમ્ સંચાલિત પી.એ. હાઇસ્કૂલ, નિરોણા મધ્યે રાષ્ટ્રનિર્માણના સંકલ્પ સાથે ભવ્ય અને ભાવસભર રીતે યોજવામાં આવેલ હતુ. આ અભિયાનના માધ્યમથી શાળાને માત્ર શિક્ષણ આપનારા સંસ્થાન તરીકે નહીં, પરંતુ રાષ્ટ્ર સમર્પિત ભાવના ધરાવતા તીર્થ રૂપે માન્યતા અપાવવાનો સંદેશો આપાયો હતો. વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે રાખીને શાળામાં વિદ્યાર્થીઓના હાથ, હૈયા અને મસ્તકના સર્વાંગી વિકાસ તરફ દોરતી અભિયાનની અસરદાયી શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી, જેમાં શાળાના આચાર્ય તથા ક્રીડા ભારતી-કચ્છ વિભાગના વાલી અને સૌરાષ્ટ્ર પ્રાંત કારોબારી સભ્ય ડૉ. વી.એમ.ચૌધરી સાહેબ, અખિલ ભારતીય ગ્રાહક પંચાયત- કચ્છ જિલ્લા સંયોજક તખતસિંહ સોઢા અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ- કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક અધ્યક્ષ અલ્પેશભાઈ જાની ઉપસ્થિત રહ્યા હતા.
સામૂહિક સરસ્વતી વંદના પછી ABRSM- કચ્છ ગ્રાન્ટેડ અધ્યક્ષ અલ્પેશભાઈ જાની દ્વારા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનો સંક્ષિપ્ત પરિચય આપી, સંગઠન કેવી રીતે રાષ્ટ્રવાદી ભાવનાથી પ્રેરિત રહી શિક્ષણ ક્ષેત્રે કાર્ય કરે છે તેમજ શાળામાં મૂલ્યો, શિસ્ત અને સંયમની પુનઃસ્થાપના માટે કાર્યરત છે, તેમ જણાવેલ હતુ. શાળાની વિધાર્થીની કંચન ગરવાએ “મારી શાળા- મારુ સ્વાભિમાન” વિષય પર સ્વ-રચિત કાવ્ય પઠન કરી સૌને મંત્રમુગ્ધ કરેલ હતા. મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત ડૉ. વી.એમ. ચૌધરી સાહેબે શિક્ષણને રાષ્ટ્રની કરોડરજ્જુ ગણાવતાં જણાવ્યું કે આજે શાળામાં માત્ર પાઠ્યપુસ્તકના જ્ઞાન સુધી મર્યાદિત રહેવું પૂરતું નથી, પરંતુ બાળકના જીવનલક્ષી સર્વાંગી વિકાસ માટે કાર્ય થવું જોઈએ. તેમણે શિક્ષકોની ભૂમિકા અને શાળાની રાષ્ટ્રનિર્માણમાં સહભાગિતાને ખૂબ જ ઊંડાણપૂર્વક સમજાવેલ હતી.
અખિલ ભારતીય ગ્રાહક પંચાયત- કચ્છ જિલ્લા સંયોજક તખતસિંહ જાડેજાએ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના હકારાત્મક પ્રયાસોની પ્રશંસા કરી અને આવા અભિયાનો ગામલોકો, વાલીઓ તથા સમગ્ર સમાજને જાગૃત કરવા માટે જરૂરી છે, તે જણાવેલ હતુ. અનુપમ ઉલ્લાસ સાથે શિક્ષકો તથા વિધાર્થીઓ દ્વારા પંચ સંકલ્પો શિક્ષિકા અલ્પાબેન બુચિયા દ્વારા લેવડાવવામાં આવેલ હતા, જેમાં સૌએ શાળાના માધ્યમથી શિક્ષણ, સમાજ અને રાષ્ટ્રહિતમાં કાર્ય કરવાની પ્રતિજ્ઞા પણ લીધેલ હતી. પ્રચાર પ્રમુખ કિશનભાઈ પટેલ દ્વારા આભારવિધી તથા કલ્યાણમંત્ર કરાવવામાં આવેલ હતા. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ગ્રાન્ટેડ મહિલા ઉપાધ્યક્ષ અલ્પાબેન ગોસ્વામીએ કરેલ હતુ. રાષ્ટ્રગાનના ગૌરવ સાથે કાર્યક્રમનુ સમાપન કરાયેલ હતુ. આ અભિયાનને સફળ બનાવવા માટે તમામ સ્ટાફ મિત્રોએ ભારે જહેમત ઉઠાવેલ હતી.






