આણંદમાં વર્લ્ડ રેબીસ ડેની ઉજવણી 100થી વધુ પશુઓને રસી અપાઈ
આણંદમાં વર્લ્ડ રેબીસ ડેની ઉજવણી 100થી વધુ પશુઓને રસી અપાઈ
તાહિર મેમણ – આણંદ – 03/10/2025 -આણંદમાં કામધેનુ યુનિવર્સિટીના પશુ સારવાર સંકુલ, પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય ખાતે “વર્લ્ડ રેબીસ ડે” ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નાના-મોટા પશુઓ માટે હડકવા વિરોધી રસીકરણ કેમ્પનું આયોજન કરાયું હતું.
આ ઉજવણી દરમિયાન, વીસીસી વિભાગના વડા ડૉ. એચ. સી. નખાશીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. ગાયનેકોલોજી વિભાગના વડા ડૉ. એન. પી. સરવૈયાએ વિદ્યાર્થીઓ અને પશુપાલકોને રેબીસ રોગ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી.
આ રસીકરણ કેમ્પમાં ૧૦૦થી વધુ પશુઓને હડકવા વિરોધી રસી આપવામાં આવી હતી. જેમાં પાળતુ શ્વાન, ગાય, ભેંસ, ઘેટાં, બકરી, ઘોડા અને ઊંટ જેવા પ્રાણીઓનો સમાવેશ થાય છે.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન વેટરનરી કોલેજ, આણંદના આચાર્ય ડૉ. એફ. પી. સાવલિયાના માર્ગદર્શન હેઠળ થયું હતું. પશુ સારવારના તબીબો ડૉ. જોઈસ પી. જોસેફ, ડૉ. જે. જે. પરમાર, ડૉ. અંકિત પ્રજાપતિ અને ડૉ. અમ્રિતા વસાવા સહિત ક્લિનિકલ વિભાગના સ્ટાફ તેમજ સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓએ આ સેવામાં સહયોગ આપ્યો હતો.