રાપર તાલુકાના છેવાડાના માલીસરાવાંઢ પ્રા.શાળાને દીવાદાંડીરૂપ બનાવનાર પ્રેરણાદાયી શિક્ષક વિજયકુમાર ચૌધરી.
શાળામાં ૭૫ વિદ્યાર્થીઓની સંખ્યાને ૧૫૬ પહોંચાડીને શાળાના શિક્ષણમાં ગુણવત્તાયુક્ત અનેક સુધારા લાવનાર વિજ્યકુમાર ચૌધરી સાથે મુખ્યમંત્રીએ શિક્ષક દિનના રોજ ગાંધીનગર ખાતે કર્યો “પ્રેરણા સંવાદ”
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – રાપર કચ્છ.
રાપર,તા-૦૬ સપ્ટેમ્બર : પાંચ સપ્ટેમ્બરે શિક્ષકોને પ્રોત્સાહન આપવા માટે ભારતભરમાં રાષ્ટ્રીય શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને શિક્ષણવિદ્ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ નિમિત્તે શિક્ષક દિન ઉજવવામાં આવે છે. ત્યારે ગુજરાતના ભાવીનું ઘડતર કરતા અને ખાસ કરીને રાજ્યના છેવાડાના વિસ્તારોના બાળકોને એક નવી દિશા આપતા ગુજરાતના ૩૭ શિક્ષકોને પ્રોત્સાહિત કરવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતે સારસ્વતો સાથે “પ્રેરણા સંવાદ “કર્યો હતો જેમાં રાપર તાલુકાના છેવાડાના માલીસરા વાંઢ પ્રાથમિક શાળાને દીવાદાંડીરૂપ બનાવનાર શિક્ષકશ્રી વિજ્યકુમાર ચૌધરી પણ જોડાયા હતા. મુખ્યમંત્રીશ્રીએ શિક્ષકો સાથે સંવાદ કરીને તેઓને સકારાત્મક વિચાર સાથે બાળકોના સર્વાંગી વિકાસ માટે કામગીરી કરવા પ્રેરણા આપી હતી.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નિવાસસ્થાને આયોજિત સારસ્વતો સાથેના સંવાદમાં જોડાયેલા શિક્ષકશ્રી વિજયકુમારે જણાવ્યું હતું કે, બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે મારુ એકમાત્ર લક્ષ્ય છે તે દિશામાં હું આગળ વધી રહ્યો છે. માત્ર શિક્ષકની ફરજ તરીકે નહીં પરંતુ શાળાને એક મંદિર
રૂપ બનાવીને બાળકોના વાલી તરીકે હું ભૂમિકા ભજવવા પ્રયાસ કરૂ છું. રાપર તાલુકાની અંતરિયાળ વિસ્તારની શાળા હોવાથી અહીં જરૂરીયાતવાળા બાળદેવોની સેવાનો મને અવસર મળ્યો છે. શાળામાં હાજર થયો ત્યારે અહીં માત્ર ૭૫ બાળકો હતા અને બે જ ઓરડા હતા. પરંતુ બાળકોની હાજરી વધે અને પ્રવેશ વધે તે દિશામાં પ્રયાસ કર્યા બાદ હાલ અહીં ૧૫૬ વિદ્યાર્થીઓ છે. ૬ રૂમ, કમ્પ્યુટર લેબ તેમજ પ્રયોગશાળા પણ છે. શાળાના અન્ય સંનિષ્ઠ શિક્ષકનો સાથથી આ શાળાના વિકાસની સફર શરૂ થઇ જે અવિરત ચાલુ છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, બાળકોને અભ્યાસમાં સમસ્યા ન થાય તે માટે બૂકલેટ, પોસ્ટરો તૈયાર કરાયા છે તેમજ શાળાનો સમગ્ર ડેટા એકીકૃત કરીને માહિતી – હાથવગી કરાઇ છે, શાળાના બ્લોગનું નિર્માણ તેમજ શાળાના મેન્ટનન્સના તમામ સાધનો અહીં વસાવાયા છે. જેથી કોઇ ખામી સર્જાય તો અંતરિયાળ શાળામાં કારીગર આવે તે પહેલા જ શિક્ષકો જ તેની સુધારણા કરી લે છે. ઉપરાંત બાળકોને ઓનલાઇન શિક્ષણ તેમજ તેમની સ્કીલ ડેવલેપમેન્ટની દિશામાં અમારા પ્રયાસ છે. અત્યારસુધી રાજ્યકક્ષાએ ઇનોવેશન ફેરમાં ભાગ લેવા સાથે એક ઇનોવેશન નેશનલકક્ષાએ અરવિંદો સોસાયટી દ્વારા પણ સન્માનિત થયેલો છે. INSPIRE AWARD માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી સતત ત્રણ વર્ષ શાળાએ INSPIRE AWARD મેળવેલો છે. આ કામગીરીના ભાગરૂપે સાંદીપનિ વિદ્યાગુરુ એવોર્ડ, તાલુકાકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, પ્રતિભાશાળી શિક્ષક એવોર્ડ વગેરે સન્માન મળ્યાં છે. મારી શાળાના બાળકો વિવિધ સ્પર્ધા, સ્કોલરશીપ વગેરેમાં અગ્રેસર રહે છે. અંતરિયાળ વિસ્તારના બાળકો પણ ખાનગી શાળા જેવી જ સુવિધા તથા શિક્ષણ મેળવીને ઉચ્ચકક્ષાએ પહોંચે તેવી નેમ છે.