
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી | થર્ટી ફર્સ્ટની નાઈટે પોલીસનો કડક બંદોબસ્ત, ૧૫૦થી વધુ દારૂડિયા ઝડપાયા –
નવા વર્ષની ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટની રાત્રે વિશેષ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. શામળાજી સહિત સમગ્ર જિલ્લાભરમાં ચેકપોસ્ટો અને નાકા પોઈન્ટ પર કડક વાહન તપાસ કરવામાં આવી હતી.પોલીસ દ્વારા દારૂ પી ને વાહન ચલાવતા ૧૫૦થી વધુ લોકોને ઝડપી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. તપાસ દરમિયાન આધુનિક ડિજિટલ બ્રેથ એનાલાઈઝરનો ઉપયોગ કરી દારૂડિયાઓને પકડવામાં આવ્યા હતા.જિલ્લાના મુખ્ય માર્ગો, હાઈવે, રાજ્ય બોર્ડર તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કડકડતી ઠંડી હોવા છતાં પોલીસના જવાનો રાતભર રસ્તા પર ઊભા રહી અસામાજિક તત્વોને રોકવા ફરજ બજાવતા જોવા મળ્યા હતા.પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે નશાની હાલતમાં વાહન ચલાવવું ગંભીર ગુનો છે અને આવા વાહનચાલકોના કારણે નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાઈ શકે છે. જાહેર સલામતી અને માર્ગ સુરક્ષા જળવાઈ રહે તે માટે આવનારા સમયમાં પણ આ પ્રકારની કડક કાર્યવાહી ચાલુ રહેશે.પોલીસની આ કાર્યવાહીથી જિલ્લામાં નવા વર્ષની ઉજવણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી તેમજ દારૂ પી ને વાહન ચલાવનારાઓમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું.




