હાલોલ- ટ્રાન્સપોર્ટ ની ઓફીસ માં કામ કરતા 35 વર્ષીય પરપ્રાંતિય યુવક નું રહસ્યમય મોત થતા મૃતદેહ રેફરલ હોસ્પિટલ ખસેડાયો,પોલીસે તપાસ હાથ ધરી

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૦.૧૨.૨૦૨૪
હાલોલ ઔદ્યોગિક વિસ્તાર માં આવેલા બંસલ મોલ ની પાછળ આવેલી એક ન્ટ્રાન્સપોર્ટ ની ઓફીસ માં કામ કરતા 35 વર્ષીય પરપ્રાંતિય યુવક નું રહસ્યમય મોત નીપજ્યું હોવાની જાણ હાલોલ પોલીસ ને થતા યુવકના મૃતદેહ ને પીએમ માટે હાલોલ રેફરલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો.હાલોલ ઔદ્યોગિક વસાહત ની વિક્રાંત ઓટો માં કામ કરતા છીતેશ્વર બિહારી યાદવ એ પોલીસને આપેલી ફરિયાદ માં જણાવ્યું છે કે તે ગઈ કાલે રાત્રે નાઈટ શિફ્ટ પતાવી આજે સવારે તેના રીંકી ચોકડી ખાતે જ્યોતિ સોસાયટીના ઘરે આવી પ્રાતઃ ક્રિયા પતાવી જમવાનું બનાવી રહ્યો હતો ત્યારે તેનો નાનો ભાઈ સીતારામ યાદવ કે જે રીંકી ચોકડી પાસે આવેલા બંસલ મોલ પાછળ આવેલી ઇન્ડિયન લોજીસ્ટિક નામની ટ્રાન્સપોર્ટ ની ઓફિસમાં નોકરી કરતો અને ત્યાં જ રહેતો હતો, તે ઓફિસે થી ફોન આવ્યો હતો અને સીતારામ ની તબિયત સારી નથી તેવું જણાવતા તે ત્યાં પહોંચ્યો હતો. જ્યાં ઓફિસના ગોડાઉન ની ઓફીસ નીચે તેનો ભાઈ મૃત હાલત માં પડેલો જોવા મળ્યો હતો. આ સમયે ત્યાં ગોડાઉન મલિક ઈશ્વરભાઈ ગોસ્વામી હાજર હોવાની હકીકત તેને પોલીસ ને જણાવી છે.નાના ભાઈ નો મૃતદેહ જોતા તેના મોઢા માં આંખ ઉપર અને પગ માં ઇજાઓ હોવાનું જણાઇ આવતા સીતારામ ના મિત્ર પરમાર ક્રિષ્નકાંતે તે એકટીવા ઉપર થી પડી ગયો હોવાનું જણાવ્યું હતું. આ બાબતે મૃતક સીતારામ ના મોટા ભાઈ છીતેશ્વરે પોલીસ ને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતક સીતારામ ના મૃતદેહ ને પીએમ માટે હાલોલ રેફરલ ખસેડી યુવક ના રહસ્યમય મોત અંગે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.








