
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામાં વરસાદી ત્રાટક – ખેતરો જળબંબાકાર,મોડાસાના ગઢડાકંપા પંથકમાં માત્ર બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ
અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ ત્રાટકતા ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પરિસ્થિતિ સર્જાઈ છે.
મોડાસાના ગઢડાકંપા પંથકમાં માત્ર બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાઈ જળબંબાકાર સ્થિતિ સર્જાઈ હતી. રેલવે અંડરપાસ પાણીમાં સંપૂર્ણ ડૂબી ગયો હતો. ભારે વરસાદના કારણે ખેતરનો પાક તણાઈ જવાથી ખેડૂતોને વ્યાપક નુકસાન વેઠવું પડ્યું છે. વાંઘા કોતરના પાણી ખેતરોમાંથી વહેતા ફરી વળતા ગામના માર્ગો પર રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.બાયડ વિસ્તારમાં પણ વરસાદી ત્રાટકથી ધામણી નદીમાં પાણીનો પ્રવાહ વધતા કોઝ વે ધોવાઈ ગયો હતો. પરિણામે હમીરપુરા, બોરડી, મઠ અને મોતીપુરા જેવા ગામો સંપર્કવિહોણા બન્યા છે. સ્થાનિકોમાં ભારે મુશ્કેલીઓ સર્જાઈ હતી.તલોદ નજીક આવેલ કોઝ વે પર પણ પાણી ફરી વળતા વાહન વ્યવહાર પર અસર થઈ હતી.મોડાસાના સરડોઈ ગામમાં ડુંગરમાંથી વહેતા પાણી ગામના રસ્તા પર ફરી વળતા રસ્તાઓ નદીમાં પરિવર્તિત થઈ ગયા હતા. ટીંટોઈ વિસ્તારમાં પણ સતત વરસાદી માહોલ વચ્ચે ગ્રામજનો પરેશાન બન્યા છે.સતત વરસતા વરસાદને કારણે અરવલ્લી જિલ્લાના ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે અને અનેક ગામોમાં રોજિંદી જિંદગી પર ગંભીર અસર પડી રહી છે.




