GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ‘માર્ગ સલામતી માસ’ અંતર્ગત ૨૧ હજારથી વધુ લોકોને ‘સેફ ડ્રાઈવિંગ’ અંગે જાગૃત કરાયા

તા.૧/૨/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

૭ હજારથી વધુ પેમ્ફ્લેટ, ૬૦૦થી વધુ વાહનોમાં રેડિયમ રીફ્લેકટર કામગીરી

વાહન સંબંધી ૯૧૪ ગુન્હામાં ૩૧ લાખથી વધુની દંડનીય કાર્યવાહી

ટુવ્હિલર, ફોરવ્હીલર, થ્રીવ્હીલર અને ટ્રાન્સપોર્ટ જેવા કુલ ૬૦૦થી વધુ વાહનોની યાંત્રિક તપાસણી

Rajkot: સમગ્ર દેશ અને રાજ્યમાં વાહન અકસ્માતનું પ્રમાણ ઘટે અને લોકો માર્ગ સલામતી બાબતે જાગૃત બને તે માટે ‘રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ’ની ઉજવણીનો પ્રારંભ ગત ૧લી જાન્યુઆરીથી કરવામાં આવ્યો હતો. જેના ઉપક્રમે રાજ્ય સરકારની ગાઈડલાઈન્સ મુજબ રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ તેમજ આર.ટી.ઓ.ના સંયુક્ત ઉપક્રમે માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત વિવિધ જનજાગૃતિના કાર્યક્રમો, મોટર વ્હીકલ એક્ટ ભંગ સંબંધી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

રાજકોટ આર.ટી.ઓ.શ્રી કેતન ખપેડ, રોડ સેફ્ટી કાઉન્સિલના શ્રી જે.વી.શાહ અને તેમની ટીમ દ્વારા ગત જાન્યુઆરી માસ દરમ્યાન રોડ સેફ્ટી મહિનાની ઉજવણી રાજકોટ પોલીસ સાથે રહીને કરવામાં આવી હતી. જેમાં સ્કૂલ, કોલેજ, અને જાહેર જનતાને રોડ સેફ્ટી બાબતે કાર્યક્રમો કરી માહિતગાર કરવામાં આવ્યા હતાં. સાથોસાથ વાહન અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ લોકોને હોસ્પિટલ પહોંચાડવા પ્રેરણા પુરી પાડતાં ગૂડ સમરિટર્ન, હિટ અને રન યોજના સમજાવવામાં આવી હતી.

ર.ટી.ઓ. અને ટ્રાફિક પોલીસ દ્વારા જુદી જુદી શાળા કોલેજ મળીને કુલ ૨૧,૭૯૦ લોકોને રોડસેફ્ટી બાબતે જનજાગૃતિ અર્થે માહિતગાર કરાયા હતાં. લોકોને માહિતીપ્રદ ૭,૧૬૦ રોડ સેફટી પેમ્ફ્લેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ટ્રાફિક અવેરનેસ સંબંધી ડ્રોઇંગ, વકૃત્વ, પ્રોજેક્ટ સ્પર્ધા યોજવામાં આવી હતી. રાત્રે વાહન અકસ્માત ઘટે તે માટે વાહનો પાછળ રેડિયમ રીફ્લેકટર જરૂરી હોઈ વિભાગ દ્વારા કુલ ૬૦૬ વાહનો પાછળ સ્ટાફની મદદથી રીફ્લેકટર મૂકવાની કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત ટુવ્હિલર, ફોરવ્હીલર, થ્રીવ્હીલર અને ટ્રાન્સપોર્ટ જેવા કુલ ૬૦૦થી વધુ વાહનોની યાંત્રિક તપાસણી હાથ ધરાઈ હતી. વિભાગ દ્વારા આયોજિત હેલ્મેટ રેલીમાં ૩૦૦ જેટલા ટુ વ્હીલર ચાલકો જોડાઈ રોડ સેફ્ટીનો સંદેશો ફેલાવ્યો હતો.

આ ઉપરાંત પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, રાજકોટ દ્વારા ભયજનક રીતે વાહન ચલાવવું, હેલ્મેટ, સીટબેલ્ટ, ઓવર લોડ, વાઇટ લાઈટ એલ.ઇ.ડી., ઓવરસ્પીડ, પી.યુ.સી, ફિટનેસ, ડ્રાઇવિંગ લાયસન્સ સહિતની ચેકીંગ કામગીરી હાથ ધરી નિયમભંગ બદલ ૯૧૪ કેસ કરવામાં આવ્યા હતા, જેની રૂ. ૩૧,૦૯,૬૮૪ ની દંડનીય કામગીરી હાથ ધરાઈ હોવાનું શ્રી ખપેડે જણાવ્યું છે.

જનજાગૃતિ અર્થે વિવિધ કાર્યક્રમો પૈકી રીક્ષા ચાલકોને માર્ગ સલામતી બાબતે સેમિનાર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગ્રાઉન્ડમા એસ.ટી.ના ડ્રાઈવર અને કન્ડકટર સાથે રોડ સેફટી સેમિનાર, આંગણવાડી તેડાગર ખાતે રોડ સેફટી સેમિનાર, ગૌરીદડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ, રાજકોટ જિલ્લાના વાહન વિક્રેતાઓ સાથે રોડ સેફટી સેમિનાર, પડધરી ટોલ પ્લાઝા ખાતે વાહનોને રેડિયમ લગાડી રોડ સેફટી સેમિનાર, ગ્રીન લેન્ડ ચોકડી, નવાગામ તેમજ માલિયાસણ રાજકોટ મકરસંક્રાતિને ધ્યાને રાખી ટુ-વ્હીલરના આગળના ભાગે સેફટીગાર્ડ, પોસ્ટર, બેનર તેમજ પેમ્ફલેટ પ્રદર્શિત કરી લોકોને માર્ગ સલામતી અંગે માર્ગદર્શન, આજીડેમ ચોકડી ખાતે પસાર થતાં વાહનને રેડીયમ રિફલેકટર લગાવવા, ગોંડલ હાઈવે ખાતે રોડ સેફટી સેમિનાર, નવાગામ, રાજકોટ ખાતે ભારે વાહનચાલકોને માર્ગ સલામતી અંગેની સમજ, હેવી વાહનોની યાંત્રિક તપાસણી, સરકારી કચેરી બહુમાળી ભવન, રાજકોટ ખાતે હેલ્મેટ ડ્રાઇવ, માધાપર ચોકડી રાજકોટ શહેર LMV તથા ઓટોરીક્ષા વગેરે વાહનોની યાંત્રિક તપાસણી અંગેનો રોડ સેફ્ટી કાર્યક્રમ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે હેલ્મેટ ડ્રાઇવ, રાજકોટ શહેર ખાતે લાઇટ્સ અને સિગ્નલ, હેડલાઇટ, ટેઇલ લાઇટ, ટર્ન સિગ્નલ અને બ્રેક લાઇટની કાર્યક્ષમતા અંગેનો રોડ સેફ્ટી કાર્યક્રમ, સરકારી ઓફિસ ગવર્મેન્ટ, પોલિટેકનિક, આજી ડેમ ચોકડી પાસે હેલ્મેટ અંગે ડ્રાઇવ, રાજકોટ આર.ટી.ઓ કચેરી અને નહેરુ યુવા કેન્દ્ર દ્વારા રોડ સેફટી બાબતે અવેરનેસ કાર્યક્રમ, ગોંડલ રોડ પાસે આવેલ શક્તિમાન કંપનીમા રોડ સેફટી અવેરનેસ કાર્યક્રમ, રાજકોટમાં જિલ્લા કક્ષાના ૭૬માં પ્રજાસતાક દિનની ઉજવણી કોટડા સાંગાણી રોડ સેફ્ટી કાર્યક્રમ, આજીડેમ ચોકડી, રાજકોટ ખાતે વાહનોમાં રિફલેકટર પટ્ટી તથા રેડીયમ સ્ટ્રીપ લગાવવા તેમજ સોખડા ચોકડી ખાતે રોડ સેફ્ટી અંગે મોક ડ્રીલ સહિતના વિવિધ કાર્યક્રમો યોજી વધુનેવધુ લોકોને માર્ગ સલામતી માસની યથાર્થ ઉજવણી આર.ટી.ઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!