
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ પહેલા જ ભાજપમાં ઉતરોતર ભંગાણ અને મંગળ ગાવિતની ચાણક્ય નીતિના કારણે કોંગ્રેસમાં નવો જોશ ઉમેરાતા રાજકીય ગરમાવો તેજ બન્યો છે.
ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાનાં નિશાણા જિલ્લા પંચાયત બેઠક પર આયોજિત ‘તાલુકા સંવાદ’ કાર્યક્રમ દરમિયાન ભારતીય જનતા પાર્ટીને મોટો ફટકો પડ્યો છે.ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સ્નેહલ ઠાકરે,તથા માજી ધારાસભ્ય મંગળભાઈ ગાવીતની હાજરીમાં ભાજપના 50 થી વધુ સક્રિય કાર્યકરોએ પક્ષ પલટો કરી કોંગ્રેસનો હાથ પકડ્યો છે.આ પ્રસંગે જિલ્લા પ્રમુખ સ્નેહલ ઠાકરેએ જણાવ્યું હતું કે, “આજે સુબીર તાલુકાના ભાજપના 50 કાર્યકરોએ પક્ષ સાથે છેડો ફાડ્યો છે. આમાં વિશેષ નોંધપાત્ર બાબત એ છે કે ભાજપના આઈ.ટી. સેલના (IT Cell) યુવાન મિત્રો અને વિસ્તારના જૂના આગેવાનો પણ કોંગ્રેસમાં જોડાયા છે. ભાજપ દ્વારા એવો ભ્રમ ફેલાવવામાં આવતો હતો કે કોંગ્રેસના કાર્યકરો તૂટી રહ્યા છે, પરંતુ સત્ય આજે સામે આવ્યું છે.”સ્નેહલ ઠાકરેએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ઉમેર્યું કે, “આ ભાજપ પર એક કે બે નહીં પણ ત્રીજો તમાચો છે. ભાજપની ભય, ભ્રષ્ટાચાર અને ભ્રમ ફેલાવવાની નીતિથી હવે પ્રજા કંટાળી ગઈ છે. ડાંગના છેવાડાના ગામોમાંથી પણ હવે લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે.”કોંગ્રેસ પ્રમુખે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી દિવસોમાં ડાંગમાં કોંગ્રેસ વધુ મજબૂત બનશે. તેમણે દાવો કર્યો હતો કે આગામી સમયમાં ડાંગ જિલ્લા પંચાયત,સુબીર તાલુકા પંચાયત,વઘઈ અને આહવા તાલુકા પંચાયત પર કોંગ્રેસ વિજયી બનીને સત્તા કબજે કરશે. સુબીરના આ ‘તાલુકા સંવાદ’ કાર્યક્રમે આગામી ચૂંટણીઓ માટે કોંગ્રેસના કાર્યકરોમાં નવો જોમ ભર્યો છે, જ્યારે ભાજપ માટે આ મોટું નુકસાન માનવામાં આવી રહ્યું છે…






