
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી ચૂંટણીનો શંખનાદ : જિલ્લામાં 7.96 લાખથી વધુ મતદારો, અંદાજે 1000 થી વધુ મતદાન મથકો તૈયાર
અરવલ્લી : જિલ્લામાં આવનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકા સામાન્ય ચૂંટણીને લઈને ચૂંટણી તંત્ર દ્વારા મતદારોની પ્રાથમિક યાદી જાહેર કરવામાં આવી છે. તા. 01/04/2026ના રોજ જાહેર કરાયેલી આ યાદી મુજબ અરવલ્લી જિલ્લામાં કુલ 7,96,069 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
આંકડા મુજબ જિલ્લામાં 4,09,483 પુરુષ,3,86,574 સ્ત્રી તેમજ 12 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. અરવલ્લી જિલ્લામાં તાલુકા પંચાયત માટે કુલ 146 બેઠકો તેમજ 30 જિલ્લા પંચાયત ની બેઠકો નો સમાવેશ થાય છે તથા આશરે 1000 મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે.તાલુકાવાર મતદારોની સંખ્યા પર નજર કરીએ તો મેઘરજ તાલુકામાં સૌથી વધુ 1,27,761 મતદારો નોંધાયા છે, જ્યારે મોડાસામાં 1,17,749, ભિલોડામાં 1,08,111, માલપુરમાં 77,060, ધનસુરામાં 81,783, બાયડમાં 95,854, શામળાજીમાં 67,752 અને સાઠંબા 49,336 મતદારો નોંધાયા છે.નગરપાલિકા વિસ્તારમાં મોડાસા અને બાયડમાં મળી કુલ 70,663 મતદારો નોંધાયેલા છે. જેમાં મોડાસા નગરપાલિકામાં 57,462 અને બાયડ નગરપાલિકામાં 13,201 મતદારોનો સમાવેશ થાય છે.ચૂંટણી તંત્ર દ્વારા જણાવાયું છે કે જાહેર કરાયેલ પ્રાથમિક મતદાર યાદી અંગે મતદારો 7 દિવસમાં પોતાના વાંધા-સુચનો રજૂ કરી શકશે. ત્યારબાદ અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદારોને પોતાના નામની ચકાસણી કરવા અને જરૂરી સુધારા માટે સમયસર અરજી કરવાની અપીલ કરવામાં આવી છે.




